IND vs BAN: બીજી ટેસ્ટ મેચમાં વરસાદી વિઘ્ન, પહેલા જ દિવસે અશ્વિને તોડ્યો રેકૉર્ડ
IND vs BAN : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુર ટેસ્ટ મેચના પ્રથમ દિવસે જ વરસાદના કારણે મેચ સમાપ્ત જાહેર કરવામાં આવી છે. પહેલા ખરાબ લાઇટના કારણે મેચ રોકવામાં આવેલી, ત્યારબાદ વરસાદના કારણે આખું મેદાન ઢાંકી દેવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે માત્ર 35 ઓવર જ રમાઈ શકી હતી, જેમાં બાંગ્લાદેશે 3 વિકેટના નુકસાન પર 107 રન બનાવ્યા હતા. મોમિનુલ હક 40 રન અને તેની સાથે મુશ્ફીકુર રહીમ 6 રન કર્યા.
ઝાકિર હસને 24 બોલમાં એકપણ રન ન બનાવ્યો
કાનપુર ટેસ્ટમાં બાંગ્લાદેશની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી, કારણ કે ઝાકિર હસને 24 બોલ રમ્યા હતા પરંતુ તે એક પણ રન બનાવી શક્યો ન હતો. આકાશદીપે તેને યશસ્વી જયસ્વાલના હાથે કેચ કરાવ્યો હતો, તેના થોડા સમય બાદ આકાશદીપે શાદમાન ઈસ્લામને એલબીડબલ્યુ આઉટ કર્યો. જેમાં ઈસ્લામે 24 રન બનાવ્યા. જ્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્મા આઠમી ઓવરમાં જ સ્પિનરને લાવ્યા હતા. જેમાં રવિચંદ્રન અશ્વિને ઘણી મહેનત બાદ 31 રન કરનારા કેપ્ટન નઝમુલ શાંતોની વિકેટ મેળવી હતી.
અશ્વિને અનિલ કુંબલેનો રેકોર્ડ તોડ્યો
રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે અનિલ કુંબલેથી ઘણો પાછળ છે. પરંતુ હવે અશ્વિન એશિયન પિચો પર સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો છે. કાનપુર ટેસ્ટના પહેલા દિવસે અશ્વિને બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ શાંતોને આઉટ કરતા એશિયામાં તેની 420મી વિકેટ થઈ. જ્યારે તેના પહેલા અનિલ કુંબલેએ એશિયામાં કુલ 419 વિકેટ લીધી હતી.
હવે એશિયામાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે અશ્વિન 612 વિકેટ લેનારા મુરલીધરનથી પાછળ છે. જ્યારે શ્રીલંકાના રંગના હેરાથ 354 વિકેટ સાથે ચોથા સ્થાન પર છે.