IND vs BAN : પહેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ધમાકેદાર જીત, બાંગ્લાદેશને 280 રને કચડી નાખ્યું
India vs Bangladesh 1st Test, Day 4 Live Score: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ગુરુવાર (19 સપ્ટેમ્બર)થી ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. હવે આ મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 280 રનથી કચડી નાખતાં ધમાકેદાર જીત મેળવી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને જીતવા માટે 515 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની આખી ટીમ 234 રનમાં સમેટાઈ ગઈ હતી.
મેચમાં કેવી રહી સ્થિતિ?
ત્રીજા દિવસે લંચ બાદ ટીમ ઈન્ડિયાએ ચાર વિકેટે 287 રન બનાવીને બીજી ઈનિંગ ડિકલેર જાહેર કરી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં 376 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ તેની પ્રથમ ઈનિંગમાં 149 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં 227 રનની લીડ મળી હતી.
અશ્વિને કુલ 6 વિકેટો ઝડપી
લક્ષ્યનો પીછો કરતી વખતે બાંગ્લાદેશની ટીમે શરૂઆત સારી કરી હતી. ઓપનર બેટ્સમેન શાદમાન ઈસ્લામ અને ઝાકિર હસને મળીને પ્રથમ વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી હતી. ત્યારે ટીમ ઈન્ડિયાના સંકટ મોચન ગણાતા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આ ભાગીદારી તોડીને ટીમ ઈન્ડિયાની વાપસી કરાવી. બુમરાહે ઝાકિરને યશસ્વી જયસ્વાલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ઝાકિર 33 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ઓફ સ્પિનર આર. અશ્વિને શાદમાન ઈસ્લામને શિકાર બનાવી બાંગ્લાદેશને બીજો ઝટકો આપ્યો હતો. શાદમાને 35 રન બનાવ્યા હતા. ત્યારબાદ અશ્વિને જ મોમિનુલ હકને બોલ્ડ કરીને ટીમ ઈન્ડિયાને ત્રીજી સફળતા અપાવી હતી. મોમિનુલ (13) આઉટ થયો ત્યારે બાંગ્લાદેશનો સ્કોર ત્રણ વિકેટે 124 રન હતો. ત્યારબાદ અશ્વિને તરખાટ મચાવતાં એક પછી એક વિકેટો ઝડપીને કુલ 6 બાંગ્લાદેશી બેટરોને પેવેલિયન ભેગા કર્યા હતા. મુશફિકુર રહીમ (13)ને કેએલ રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. અશ્વિને કુલ 6 વિકેટો ઝડપી હતી. જ્યારે જાડેજાએ પણ 3 મહત્ત્વની વિકેટો ઝડપીને જીતમાં યોગદાન આપ્યું હતું.