વર્લ્ડ કપની ફાઈનલ જોવા આવી શકે છે મુકેશ અંબાણી સહિત 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ, રિઝર્વ બેંકના ગવર્નરને પણ આમંત્રણ
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બનીઝને આમંત્રણ મોકલાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે
ind vs aus world cup 2023 final : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે. આ મેચ દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીનો પરિવાર મેચમાં ઉપસ્થિત રહેવાની શક્યતા છે. આ સિવાય 8 રાજ્યોના મુખ્યમંત્રી અને ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ પણ આ ભવ્ય કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે. મહત્વનું છે કે, અક્ષય કુમાર, અજય દેવગણ સહિત બોલિવુડની પણ કેટલીક હસ્તીઓ મેચ જોવા માટે આવે તેવી સંભાવના છે.
આ મહામુકાબલાને જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ અમદાવાદ પહોંચશે. તેની સાથે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. જણાવાય રહ્યું છે કે, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બનીઝ અને નાયબ વડાપ્રધાન રિચર્ડ માર્લ્સને પણ આમંત્રણ મોકલાયું છે. જોકે, હજુ બંનેના કન્ફર્મેશનની રાહ જોવાઈ રહી છે.
આ વર્ષની શરૂઆતમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલા બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટને જોવા માટે વડાપ્રધાન મોદી અમદાવાદ સ્ટેડિયમ પહોંચ્યા હતા. મેચમાં ઓસ્ટ્રેલિયન પીએમ પણ હાજર રહ્યા હતા.