World Cup 2023 Final : કિંગ કોહલી પાસે વધુ એક રેકોર્ડ તોડવાની તક, સંગાકારાને પાછળ છોડી શકે
વિરાટ કોહલીએ ODI World Cup 2023ની 10 મેચમાં 711 રન બનાવ્યા છે
Image:IANS |
World Cup 2023 Final IND vs AUS : ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ODI World Cup 2023માં સૌથી વધુ રન બનાવવાના મામલે ટોપ પર છે. તેણે આ વર્લ્ડ કપની 10 મેચમાં 711 રન બનાવ્યા છે. આ સાથે કોહલી એક વર્લ્ડ કપ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે. આ સાથે જ તેણે ODI World Cup 2023માં ત્રણ સદી ફટકારીને વનડે ફોર્મેટમાં 50 સદી પૂરી કરી સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. હવે વિરાટ કોહલી પાસે ફાઈનલ મેચમાં વધુ એક રેકોર્ડ તોડવાની તક છે.
વિરાટ પાસે સંગાકારાનો રેકોર્ડ તોડવાની તક
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI World Cup 2023ની ફાઈનલ મેચ રમાનાર છે. આ દરમિયાન તે શ્રીલંકાના પૂર્વ બેટ્સમેન કુમાર સંગાકારાનો રેકોર્ડ તોડી શકે છે. ઓસ્ટ્રેલિયા સામે વિરાટ મોટી ઇનિંગ રમીને ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. કોહલી ઓસ્ટ્રેલિયા સામે 41 રન બનાવશે તો તે ICC ફાઈનલ્સના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની જશે અને કુમાર સંગાકારાને પાછળ છોડી પ્રથમ સ્થાને આવી જશે.
કોહલી આ લીસ્ટમાં બીજા સ્થાને
વિરાટ કોહલીએ તેના કરિયરમાં અત્યાર સુધી 8 ICC ફાઈનલ રમી છે અને તેમાં તેણે 280 રન બનાવ્યા છે. હાલમાં આ લીસ્ટમાં કુમાર સંગાકારા પ્રથમ સ્થાને છે જેણે 7 ICC ફાઇનલમાં કુલ 320 રન બનાવ્યા હતા. કોહલી 41 રન બનાવતાની સાથે જ સંગાકારાને પાછળ છોડીને પ્રથમ સ્થાને આવી જશે. જ્યારે આ લીસ્ટમાં શ્રીલંકાના પૂર્વ ખેલાડી મહેલા જયવર્દને 270 રન સાથે ત્રીજા સ્થાને છે. એડમ ગિલક્રિસ્ટ 262 રન સાથે ચોથા સ્થાને છે. રિકી પોન્ટિંગ આ લીસ્ટમાં પાંચમા સ્થાને છે. તેણે 6 ICC ફાઈનલ મેચમાં 247 રન બનાવ્યા હતા.