કોહલીએ લોકોને ચૂપ રહેવાનો ઈશારો કર્યો, સિરાજની હેડ સાથે બબાલ: ઑસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયાનો આક્રમક અંદાજ
IND Vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડના ઓવલમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમ આક્રમક અંદાજમાં જોવા મળી હતી. અને આ દમિયાન મેદાન પર બે રસપ્રદ ઘટનાઓ જોવા મળી હતી. જેમાં ફરી એકવાર ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની જૂની આક્રમકતા જોવા મળી. બીજા દિવસની રમતમાં જ્યારે માર્નસ લાબુશેન અને ટ્રેવિસ હેડ મોટી ભાગીદારી તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે સ્ટેડિયમમાં બેઠેલા ઓસ્ટ્રેલિયન પ્રેક્ષકોએ હૂટિંગ કરવાનું શરુ કરી દીધું હતું.
દર્શકો આ જોડીને સમર્થન આપી ભારતીય ટીમ સામે દબાણ બનાવી રહ્યા હતા. તો બીજી તરફ ટ્રેવિસ હેડે શાનદાર પ્રદર્શન કરી 141 બોલમાં 140 રનની ઇનિંગ રમી હતી. તેની વિકેટ મોહમ્મદ સિરાજે લીધી હતી. જો કે, સિરાજે તેને આઉટ કરતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સિરાજે હેડને પેવેલિયન તરફ જવાનો ઈશારો કર્યો હતો.
કોહલીએ પ્રેક્ષકોને ચુપ કરાવ્યા!
હકીકતમાં બીજા દિવસની રમતમાં પોતાની બીજી ઓવરમાં રેડ્ડીએ 64 રન પર લાબુશેનને આઉટ કરી દીધો હતો. લાબુશેને રેડ્ડીના બોલ પર જોરદાર કટ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યશસ્વી જયસ્વાલે લાબુશેનનો કેચ પકડી લીધો હતો. ત્યારે લાબુશેનને પેવેલિયનમાં પરત ફરતા જોઈને કમિન્સ સહિત સમગ્ર ઑસ્ટ્રેલિયન ટીમ નિરાશ દેખાઈ હતી. તે સમયે કોહલી સ્લિપમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો, અને તે ઉજવણી કરવા જયસ્વાલ તરફ દોડ્યો હતો. ત્યારે તે અચાનક પ્રેક્ષકો તરફ વળ્યો અને મોં પર આંગળી રાખીને શાંત રહેવાનો ઈશારો કર્યો હતો. હવે તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
સિરાજ હેડ પર ગુસ્સે ભરાયો
તો બીજી ઘટનામાં ભારત માટે મુશ્કેલી બનેલા ટ્રેવિસ હેડને લઈને છે. જ્યારે હેડ બેટિંગ કરવા આવ્યો ત્યારે ઓસ્ટ્રેલિયાને લીડ મળી ન હતી. અને મેચ પર ભારતનો કબજો હતો. અહીંથી હેડે ડે-નાઈટ ટેસ્ટમાં 111 બોલમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવ્યો હતો. સદી ફટકાર્યા બાદ હેડ વધુ આક્રમક મૂડમાં જોવા મળ્યો હતો. તેણે ખુલ્લેઆમ મોટા શોટ રમવાનું શરુ કરી દીધું હતું. એવું લાગી રહ્યું હતું કે ભારતીય બોલરો પાસે તેની બેટિંગનો કોઈ જવાબ નથી.
જો કે, નવો બોલ આવતાની સાથે જ કેપ્ટન રોહિત શર્માએ ઝડપી બોલરોને બોલિંગ કરવા આપી હતી. જેમાં સિરાજે એક શાનદાર યોર્કર નાખીને હેડની વિકેટ ઝડપી લીધી હતી. આ પછી સિરાજે આક્રમક રીતે ઉજવણી કરવાનું શરૂ કર્યું. અને હેડને કદાચ તે ગમ્યું હતું નહીં. હેડે સિરાજને કંઇક શબ્દો કહ્યા હતા અને તેના જવાબમાં સિરાજે તેને બહાર જવાનો ઈશારો કર્યો હતો.
આ પણ વાંચો : ચાલુ મેચમાં અમ્પાયર પર કેમ ભડક્યો વિરાટ કોહલી? કહ્યું- રાહુલ વખતે તો આવું નહોતું કર્યું
ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો
ભારતીય ટીમ પાંચ મેચોની સીરિઝમાં 1-0થી આગળ છે. ભારતે પર્થ ટેસ્ટ 295 રને જીતી લીધી હતી. પરંતુ એડિલેડમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો જોવા મળી રહ્યો છે. સીરિઝની બીજી ટેસ્ટમાં ભારત પેહેલી ઇનિંગમાં 180 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. સામે ઓસ્ટ્રેલીયાની ટીમે પહેલી ઇનિંગમાં 337ના સ્કોર પર ઓલ આઉટ થઇ ગઈ હતી. ત્યાર પછી બીજી ઇનિંગ રમવા આવેલી ભારતીય ટીમે અત્યાર સુધીમાં 105ના સ્કોર સાથે 4 વિકેટ ગુમાવી દીધી હતી.