નવા 7 ખેલાડી સાથે ટીમ ઈન્ડિયા મેદાનમાં ઊતરશે, કોહલી-બુમરાહ પર ફરી જવાબદારી, ગંભીર ટેન્શનમાં!
India Vs Australia in Perth Stadium: ન્યૂઝીલેન્ડ સામે પોતાના જ ઘરઆંગણે ક્લીન સ્વીપ (0-3)થી ટેસ્ટ સીરિઝ હાર્યા બાદ હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પહોંચી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ 5 મેચની ટેસ્ટ સીરિઝ રમાશે. પ્રથમ મુકાબલો 22 નવેમ્બરના રોજ પર્થ સ્ટેડિયમમાં થશે. આ સ્ટેડિયમ ભારતીય ટીમ માટે અનલકી રહ્યું છે. આ સ્ટેડિયમ પર ભારતીય ટીમે એક જ ટેસ્ટ મેચ રમી છે જેમાં તેને હાર મળી છે. આ મેચ ડિસેમ્બર 2018માં રમાયી હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ 146 રનોથી જીત હાંસલ કરી હતી.
કોહલીની શાનદાર બેટિંગ
આ મેચમાં સારી વાત એ રહી હતી કે, કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ 123 રનની સદીની ઈનિંગ રમી હતી. આમ છતાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બોલિંગમાં ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે પ્રથમ ઈનિંગમાં 2 અને બીજી ઈનિંગમાં 3 વિકેટ ખેરવી હતી.
છેલ્લી વખત રમાયેલ આ મેચના ચાર ખેલાડીઓ આ વખતે ફરી મેદાનમાં ઉતરી શકે છે. તે કોહલી અને બુમરાહ ઉપરાંત કેએલ રાહુલ અને વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત છે. પરંતુ આ વખતે ભારતીય ટીમ કોહલી અને બુમરાહ પર વધુ ભરોસો કરશે, કારણ કે બંનેએ છેલ્લી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
આ પણ વાંચો: T20I ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો અર્શદીપે, બુમરાહ-ભુવનેશ્વરને પછાડી બન્યો સૌથી સફળ ઝડપી બોલર
ગંભીર ટેન્શનમાં
જો બીજો રેકોર્ડ જોઈએ તો ભારતીય કોચ ગૌતમ ગંભીર ટેન્શનમાં આવી જશે. હકીકતમાં આ પર્થ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા હજું સુધી કોઈ ટેસ્ટ મેચ નથી હાર્યું. ઓસ્ટ્રેલિયા અહીં 4 ટેસ્ટ રમ્યું છે અને તમામમાં જીત હાંસલ કરી છે. આ તમામ મેચ કાંગારુ ટીમે 100+ રનોના અંતરથી જીતી છે.
આ જ મેદાન પર ઓસ્ટ્રેલિયાએ તેની છેલ્લી મેચ પાકિસ્તાન સામે રમી હતી. આ ટેસ્ટમાં કાંગારૂ ટીમે પાકિસ્તાનને બીજી ઈનિંગમાં 89 રન પર જ સમેટી લીધું હતું. આ સાથે જ આ મેચ 360 રનના મોટા અંતરથી જીતી હતી. આવી સ્થિતિમાં જો ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને આ મેદાન પર હરાવવું હોય તો તેણે મજબૂત તૈયારી કરવી પડશે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય સ્ક્વોડ: રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઈશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.
પ્રથમ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની સ્ક્વોડ: પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિશ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિશેલ માર્શ, નાથન મેકસ્વીની, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક.