મેદાનમાં કોહલીનો 'હુરિયો' બોલાવાયો પછી વિરાટે કંઈક એવું કર્યું કે દર્શકો પ્રશંસા કરવા લાગ્યા
Virat kohli praising Steve Smith : હાલ રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા સામેની ચોથી મેચમાં સેમ કોન્સ્ટન્સ સાથે અથડામણ બાદ ટીકાનો ભોગ બનેલા વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયન બેટર સ્ટીવ સ્મિથ માટે અદ્ભુત ખેલદિલી વ્યક્ત કરી હતી. જેના પછી લોકો કોહલીના ચાહક બની ગયા હતા. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ચાલી રહેલી બોક્સિંગ ડે ટેસ્ટના બીજા દિવસે જ્યારે સ્ટીવ સ્મિથે પોતાની કારકિર્દીની 34મી સદી પૂરી કરી ત્યારે વિરાટ કોહલી તેની પાસે ગયો અને તેની પીઠ થપથપાવીને અભિનંદન પાઠવ્યા હતા.
કોહલીની ખેલ ભાવના જોઈ દર્શકોએ કરી પ્રશંસા
વિરાટ કોહલીની આ ખેલ ભાવના જોઈને દર્શકો તેની પ્રશંસા કરી રહ્યા છે. એક દિવસ પહેલાં જ કોહલીની સેમ કોન્સ્ટાસ સાથે અથડામણ થયા બાદ તે દર્શકોના હૂટિંગનો શિકાર બન્યો હતો. વિરાટ કોહલી હાલમાં ઓસ્ટ્રેલિયા સામે પોતાના પ્રદર્શનને લઈને સંઘર્ષ કરી રહ્યો છે. આ સીરિઝમાં ભારતીય બેટરોનું ફોર્મ સારું રહ્યું નથી. કોહલીનો આ છેલ્લો ઓસ્ટ્રેલિયા પ્રવાસ માનવામાં આવી રહ્યો છે.
ICCએ દંડ ફટકાર્યો કોહલીને
અહીં તમને જણાવી દઈએ કે, ICCએ કોહલીને સેમ કોન્સ્ટાસ સાથે શારીરિક રીતે અથડામણ કરવા બદલ સખત સજા આપી હતી. કોહલીને તેની મેચ ફીના 20 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને આ સાથે તેના ખાતામાં એક ડિમેરિટ પોઇન્ટ પણ ઉમેર્યો હતો. ICC આચાર સંહિતાની કલમ 2.12 મુજબ ક્રિકેટ એ શારીરિક રમત નથી અને આવી અથડામણો પ્રતિબંધિત છે.
આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયામાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ કાળી પટ્ટી બાંધી મેદાને ઊતર્યા, જાણો શું છે કારણ
સુનિલ ગાવસ્કરના રૅકોર્ડની બરાબરી કરી સ્મિથે
આ દરમિયાન ઓસ્ટ્રેલિયન બેટર સ્ટીવ સ્મિથે ચોથી ટેસ્ટ મેચને યાદગાર બનાવતાં પોતાની કારકિર્દીની 34મી સદી ફટકારી હતી. તેણે 197 બોમાં 13 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 140 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ સાથે જ સ્મિથે ભારતના ભૂતપૂર્વ મહાન ક્રિકેટર સુનિલ ગાવસ્કર(34 સદી)ના રૅકોર્ડની બરાબરી કરી લીધી છે. સ્મિથે ભારત સામે પોતાની 11મી સદી ફટકારી આ રૅકોર્ડ બનાવ્યો હતો. જેથી હવે તે ભારત સામે સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે.