Get The App

કેપ્ટન બદલાશે, બે ખેલાડીઓનું ડેબ્યૂ, બેટિંગ ઓર્ડરમાં પણ ફેરફાર: પર્થ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયામાં ઉથલપાથલ

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
કેપ્ટન બદલાશે, બે ખેલાડીઓનું ડેબ્યૂ, બેટિંગ ઓર્ડરમાં પણ ફેરફાર: પર્થ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયામાં ઉથલપાથલ 1 - image


IND vs AUS Match: ભારતીય ક્રિકેટ ટીમ 22 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝની શરૂઆત કરશે. પર્થમાં રમાનારી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા સામે ઘણા પડકારો છે. કેપ્ટન રોહિત શર્મા ઉપલબ્ધ નથી અને શુભમન ગિલ પણ ઈજાગ્રસ્ત છે. આવી સ્થિતિમાં બેટિંગ ઓર્ડરમાં ઘણા ફેરફાર જોવા મળશે. યશસ્વી જયસ્વાલ સાથે કોણ ઓપનિંગ કરશે, કયો બેટ્સમેન નંબર ત્રણ પર ઉતરશે અને બોલિંગમાં કયા ચહેરા હશે, આ તમામ મુદ્દા પર હેડ કોચ ગૌતમ ગંભીર અને કાર્યકારી કેપ્ટન જસપ્રિત બુમરાહે કામ કરવું પડશે.

પર્થ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયામાં ઉથલપાથલ 

નવો કેપ્ટન

રોહિત શર્મા તાજેતરમાં જ પિતા બન્યો છે. તે હજુ થોડા દિવસ પોતાના પરિવાર સાથે જ રહેશે. તેણે આ અંગે BCCIને જાણ કરી દીધી છે. આવી સ્થિતિમાં તે પાછળથી ભારતીય ટીમમાં સામેલ થઈ શકશે. પરિણામે રોહિત પર્થ ટેસ્ટમાંથી બહાર રહેશે. તેના સ્થાને જસપ્રીત બુમરાહ કેપ્ટનશીપ સંભાળશે. કેપ્ટન તરીકે આ તેની બીજી ટેસ્ટ હશે. જોકે, રોહિત એડિલેડમાં રમાનાર બીજી ટેસ્ટમાં સામેલ થઈ જશે.

નવી ઓપનિંગ જોડી

રોહિત શર્મા પર્થ ટેસ્ટ માટે ઉપલબ્ધ ન હોવાના કારણે ભારતીય ટીમ નવી ઓપનિંગ જોડી સાથે મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયા પાસે યશસ્વી જયસ્વાલની સાથે ઓપનિંગ પાર્ટનર તરીકે કેએલ રાહુલ અને અભિમન્યુ ઈશ્વરનના રૂપમાં વિકલ્પો છે. આ બેમાંથી કોઈ એકને અજમાવી શકાય છે. રાહુલ ઓપનિંગ કરે તેવી શક્યતા વધુ છે. તે મેચ સિમ્યુલેશન દરમિયાન થયેલી ઈજામાંથી સાજો થઈ ચૂક્યો છે.

નંબર ત્રણ પર નવો ખેલાડી

શુભમન ગિલ ઈજાગ્રસ્ત હોવાના કારણે ભારતીય ટીમ મેનેજમેન્ટે ત્રીજા નંબર પર નવા ચહેરાને ઉતારવો પડશે. જો રાહુલ ઓપનિંગમાં જાય છે તો ધ્રુવ જુરેલને ઉપર મોકલી શકાય છે. ટીમ મેનેજમેન્ટ વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીને ઉપર જવા માટે કહેશે કે કેમ તે જોવાનું રહેશે. દેવદત્ત પડિક્કલને ઓસ્ટ્રેલિયામાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં તેને પણ ત્રીજા નંબર પર મોકલી શકાય છે.

આ પણ વાંચો: IPL 2025માં વિરાટ કોહલી જ બનશે કેપ્ટન? મેગા ઓક્શનમાં આ 5 ખેલાડીઓ પર હશે RCBની નજર

બેટિંગ ઓર્ડરમાં પણ ફેરફાર

ઓપનિંગમાં ફેરફાર અને ત્રીજા નંબર પર બેટિંગમાં ફેરફારને કારણે ભારતીય ટીમના બેટિંગ ઓર્ડરમાં ફેરફાર થઈ જશે. ટોપ 3માં બે નવા ખેલાડીઓ રમશે. આ ઉપરાંત પાંચમાં અને છઠ્ઠા નંબર પર સરફરાઝ ખાનની જગ્યાએ અન્ય કોઈ બેટ્સમેનને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.

બે ખેલાડીઓનું ડેબ્યૂ

પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારતીય ટીમ પર્થ ટેસ્ટમાં નીતિશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણાને ડેબ્યૂ કરાવી શકે છે. હર્ષિત ટીમનો ત્રીજો ફાસ્ટ બોલર બની શકે છે. બીજી તરફ માત્ર એક જ સ્પિનર ​​રાખવાને કારણે નીતિશ રેડ્ડીને ઓલરાઉન્ડર તરીકે લાવવામાં આવી શકે છે. 


Google NewsGoogle News