કેપ્ટન રોહિત શર્મા સિડની ટેસ્ટમાંથી ડ્રોપ થશે? ગૌતમ ગંભીરના ગોળ-ગોળ જવાબે ચર્ચા જગાવી
India Vs Aus Test Match: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ટીમના ખરાબ પ્રદર્શન માટે ચાહકો અને દિગ્ગજોએ કેપ્ટન રોહિત શર્માને પણ જવાબદાર ઠેરવ્યો છે. પાંચ સીરિઝની આ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા 2-1થી આગળ છે. આગામી સિડની ટેસ્ટ મેચ માટે ભારતે પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા એડીચોટીનું જોર લગાવી મેચ જીતવી પડશે.
રોહિત શર્માને ટીમમાંથી બહાર કરાશે?
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં કેપ્ટન રોહિત શર્મા કોઈ ખાસ પ્રદર્શન આપી શક્યો નથી. જેથી તેને ટીમમાંથી ડ્રોપ આપવાની ચર્ચાઓ ચાલી રહી છે. ગૌતમ ગંભીરે પણ પાંચમી ટેસ્ટ મેચમાં ટીમ સિલેક્શન મુદ્દે પૂછાયેલા સવાલમાં ગોળ ગોળ જવાબ આપતાં રોહિતની ટીમમાં ઉપસ્થિતિ અંગે મૂંઝવણો વધી છે. પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરને આગામી સિડની ટેસ્ટ માટે રોહિત શર્માની પસંદગી મુદ્દે સવાલ પૂછવામાં આવ્યો હતો કે, શું રોહિત શર્મા સિડની ટેસ્ટ રમશે.
આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયાને ઝટકો! 145 કિ.મી. કલાકની ગતિએ બોલિંગ કરતો સ્ટાર બોલર સિડની ટેસ્ટમાંથી બહાર
ગૌતમ ગંભીરે આપ્યો આ જવાબ
ગૌતમ ગંભીરે રોહિત શર્માના પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મુદ્દે પૂછાયેલા સવાલમાં જણાવ્યું હતું કે, અમે પ્લેઈંગ ઈલેવનનો નિર્ણય આવતીકાલે (3 જાન્યુઆરી) પીચ જોઈને કરીશું. આ જવાબથી સૌ કોઈ ચોંકી ગયા છે. કારણકે, કેપ્ટનની પસંદગી પીચ જોઈને થતી નથી. જે સંકેત આપે છે કે, કેપ્ટન રોહિત શર્માનું જ ટીમમાં સ્થાન નિશ્ચિત નથી, તેને ડ્રોપ આપી શકે છે.
રોહિત શર્માનું સતત ખરાબ પ્રદર્શન
ઓસ્ટ્રેલિયામાં અત્યારસુધી રમાયેલી ચાર ટેસ્ટ સીરિઝમાં રોહિત શર્માએ કુલ 31 રન જ બનાવ્યા છે. જ્યારે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ટેસ્ટ સીરિઝમાં છ મેચમાં માત્ર 91 રન અને બાંગ્લાદેશ વિરૂદ્ધ માત્ર 42 રન બનાવ્યા છે. આ સાથે છેલ્લી કુલ 15 મેચમાં રોહિત શર્માએ માંડ 164 રન ફટકાર્યા છે. 2024ના અંતમાં શર્મા પોતાના કૌશલ્ય અને આવડતને અનુરૂપ પ્રદર્શન આપી શક્યો નથી.