IND vs AUS: રોહિત-વિરાટ ફેલ, ટીમમાં બે સ્પીનર્સ... મેલબર્નમાં 13 વર્ષ બાદ હારના પાંચ મોટા કારણ
IND vs AUS : ઓસ્ટ્રેલિયાએ મેલબર્ન ટેસ્ટને 184 રને જીતી લીધી હતી. ભારતની સામે 340 રનનો મોટો ટાર્ગેટ હતો અને ઘણી વખત ચોથી ઇનિંગમાં આવો ટાર્ગેટ હાંસલ કરવો સરળ નથી હોતો. ભારતીય ટીમ સાથે પણ કંઈક આવું જ થયું હતું અને તેની હારનું એક મોટું કારણ એ હતું કે ભારતીય ટીમે જીતવાની કોશિશ પણ કરી ન હતી. પાંચમા દિવસે શરૂઆતથી જ ભારતીય બેટરો ડ્રો મેચ રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું. અહીં તમને એ પણ જણાવી દઈએ કે ભારતને 13 વર્ષ બાદ મેલબર્નમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ક્યાં 5 કારણોને લીધે ભારતને મેલબોર્ન ટેસ્ટમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તેના વિશે ચાલો જાણીએ.
1. રોહિતની કેપ્ટનશીપ સામે અનેક સવાલ
રોહિત શર્માની ગેરહાજરીમાં પર્થ ટેસ્ટમાં જસપ્રીત બુમરાહે ખૂબ જ સારી કેપ્ટનશીપ કરી હતી અને ભારતીય ટીમને 295 રનથી જીત અપાવી હતી. ત્યારબાદ ત્રણેય મેચોમાં રોહિતની વધુ પડતી ડિફેન્સિવ કેપ્ટનશીપની ટીકાને પાત્ર બની હતી. મેલબર્ન ટેસ્ટની બીજી ઇનિંગમાં કાંગારૂ ટીમે 91 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી તો એવું શું થયું કે ભારતીય બોલરો વિકેટ મેળવવા માટે તલપાપડ થઇ રહ્યા હતા. વિકેટ ન મળવાની સ્થિતિમાં કેપ્ટન આક્રમક ફિલ્ડ સેટ કરીને બોલરોને મદદ કરે છે, પરંતુ રોહિતની ડિફેન્સિવ કેપ્ટનશીપ માત્ર મેલબર્નમાં જ નહીં પરંતુ એડિલેડ અને પછી બ્રિસબેન ટેસ્ટમાં પણ જોવા મળી હતી.
2. કેએલ રાહુલની બેટિંગ પોઝિશનમાં બદલાવ કરાયો
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પહેલી ત્રણ મેચમાં કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ કરી રહ્યા હતા. ગાબા ટેસ્ટના અંત સુધીમાં રાહુલે સીરિઝમાં કુલ 235 રન બનાવ્યા હતા અને તે ભારતીય ટીમ માટે ટોપ સ્કોરર ખેલાડી પણ રહ્યો હતો. પરંતુ ચોથી ટેસ્ટ માટે કેપ્ટન રોહિત શર્મા ઓપનિંગ કરવા આવ્યો હતો. જેના કારણે શુભમન ગિલને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો અને કેએલ રાહુલને ત્રીજા નંબરે બેટિંગ કરવી પડી. રાહુલ ઓપનિંગમાં સારું પ્રદર્શન કરી રહ્યો હતો.પરંતુ ત્રીજા સ્થાને આવ્યા બાદ બંને ઇનિંગ્સમાં તે માત્ર 24 રન જ બનાવી શક્યો હતો.
3. ભારતના દિગ્ગજ રોહિત અને કોહલીનું ખરાબ પ્રદર્શન
હાલમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી તેમની કારકિર્દીના એવા તબક્કે પહોંચી ગયા છે. જ્યાંથી તેમની નિવૃત્તિ દૂર જણાતી નથી. છઠ્ઠા સ્થાને બેટિંગ કરવામાં મળેલી નિષ્ફળતા બાદ રોહિત શર્માએ મેલબોર્ન ટેસ્ટમાં ફરીથી ઓપનિંગ કરવા આવ્યો હતો. પરંતુ તે બંને ઇનિંગ્સમાં સંયુક્ત રીતે માત્ર 12 રન જ બનાવી શક્યો હતો. બીજી તરફ વિરાટે પહેલી ઇનિંગમાં 36 રન બનાવ્યા હતા. પરંતુ બીજી ઇનિંગમાં માત્ર 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ઓફ સ્ટમ્પની બહારની બોલને રમવાને કારણે વિરાટ બંને વખત આઉટ થઇ ગયો હતો.
આ પણ વાંચો : રિષભ પંતે જાતે જ સમજવું જોઈએ...: બેજવાબદાર બેટિંગ મુદ્દે કેપ્ટન રોહિતની વોર્નિંગ
4. એકની જગ્યાએ બે સ્પીનરને રમાડવાનો નિર્ણય ભારે પડ્યો
પહેલી ત્રણેય ટેસ્ટ મેચમાં બંને ટીમો 4 ઝડપી બોલરો અને એક સ્પીનરના કોમ્બિનેશન સાથે રમી રહી હતી. પરંતુ ચોથી ટેસ્ટ માટે ટીમ મેનેજમેન્ટે એકની જગ્યાએ બે સ્પીનરને રમાડવાનો નિર્ણય લીધો હતો. મેચમાં મુખ્ય સ્પીનર રવિન્દ્ર જાડેજા હતો કે જેણે કુલ 37 ઓવર ફેંકી હતી. વોશિંગ્ટન સુંદરને પહેલી ઇનિંગમાં 15 ઓવર નાખવાની ફરજ પાડવામાં આવી હતી, પરંતુ બીજી ઈનિંગમાં તેણે માત્ર 4 ઓવર જ ફેંકી હતી. જો ભારતે તેના બદલે ચોથા ઝડપી બોલરને રમાડ્યો હોત તો મેચનું પરિણામ અલગ આવી શક્યું હોત.
5. ખરાબ શોટ રમી પંતે પોતાની વિકેટ ગુમાવી
પાંચમા દિવસે રિષભ પંતે 93 બોલ રમીને 28 રન બનાવ્યા હતા. જ્યાં સુધી તે ક્રિઝ પર ઉભો હતો ત્યાં સુધીમાં લાગી રહ્યું હતું કે આસાનીથી મેચ ડ્રો થઇ જશે. પરંતુ ત્રીજા સેશનની માત્ર પાંચમી ઓવરમાં ટ્રેવિસ હેડના હાથે ખરાબ શોટ રમી પંતે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.હકીકતમાં જ્યારે પંતે તેની વિકેટ ગુમાવી ત્યારે ભારતીય ટીમનું મનોબળ ત્યાંથી તૂટી ગયું હતું. જો પંતે થોડી વધુ ધીરજ બતાવી હોત તો ભારતીય ટીમ કદાચ મેચ ડ્રો કરવામાં સફળ થઇ ગઈ હોત.