VIDEO: મેચમાં કોહલી જ નહીં રોહિતે પણ પિત્તો ગુમાવ્યો, ઓસ્ટ્રેલિયન બેટરને ખખડાવ્યો
IND vs AUS: બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી બોક્સિંગ ડે ટેસ્ટ મેલબોર્નમાં રમાઈ રહી છે. આ બોક્સિંગ ડે ટેસ્ટ મેચના પહેલા જ દિવસે બંને દેશોના ખેલાડીઓ વચ્ચે ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો હતો. મેલબોર્ન ટેસ્ટના પ્રથમ દિવસે ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ મેદાન પર જ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન માર્નસ લાબુશેનને ખખડાવ્યો હતો. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન માર્નસ લાબુશેન રન લેતી વખતે પીચ પર દોડવા લાગ્યો, જેના કારણે ટીમ ઇન્ડિયાના કૅપ્ટન રોહિત શર્માએ પિત્તો ગુમાવી દીધો હતો. આ પહેલા વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયન ઓપનર બેટ્સમેન સાથે ખભો અથડાવી દીધો હતો. આ ગેરવર્તૂણક બદલ કોહલીને તેની મેચ ફીના 20 ટકા પેનલ્ટી ફટકારવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયન બેટરને ખખડાવ્યો
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રોહિત શર્મા માર્નસ લાબુશેનને ખખડાવી રહ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ સીરિઝ હાલમાં 1-1ની બરાબરી પર છે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે આ નિર્ણાયક ટેસ્ટ મેચમાં ઘણું બધું દાવ પર લાગેલું છે. આવી સ્થિતિમાં ક્રિકેટના મેદાન પર ખેલાડીઓની ભાવનાઓ છતી થઈ રહી છે. આ ઘટના ત્યારે બની જ્યારે રોહિત શર્માએ માર્નસ લાબુશેન અને સેમ કોન્સ્ટસના પીચના ડેન્જર એરિયામાં વારંવાર દોડવા પર પોતાની નારાજગી વ્યક્ત કરી.
મેદાન પર જ લગાવી ક્લાસ
રોહિત શર્માએ પોતાનો ગુસ્સો એટલા માટે વ્યક્ત કર્યો કારણ કે જો માર્નસ લાબુશેન વારંવાર ડેન્જર એરિયામાં દોડે તો પીચ ખરાબ થઈ જાત. આવી સ્થિતિમાં જ્યારે ટીમ ઇન્ડિયાના બેટ્સમેન પાછળથી બેટિંગ કરવા માટે આવે ત્યારે તેમને ખરાબ પીચના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. રોહિત શર્માની માર્નસ લાબુશેન સાથેની આ અથડામણે ચાહકો અને કોમેન્ટેટર્સનું ધ્યાન ખેંચ્યું હતું. પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર અને કોમેન્ટેટર ઈરફાન પઠાણે પરિસ્થિતિને સમજાવતા કહ્યું, 'રોહિત શર્મા કહી રહ્યો છે કે જ્યારે તમે રન લેવા માટે દોડી રહ્યા છો, ત્યારે તમે પીચમાં દોડી રહ્યા છો.'
આ પણ વાંચો: IND vs AUS: મેદાનમાં કોહલીની ફરી બબાલ! હવે 19 વર્ષીય ઓસ્ટ્રેલિયન ખેલાડીને ખભો માર્યો
સુનીલ ગાવસ્કરે આપ્યું નિવેદન
ભારતના દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે પણ ઈરફાન પઠાણની વાતનું પુનરાવર્તન કરતાં કહ્યું કે, 'સેમ કોન્સ્ટસ પણ. તમે સેમ કોન્સ્ટસને જોયો તે તો સીધો જ પીચ પર દોડતો હતો અને કોઈએ તેને કંઈ કહ્યું પણ નહીં. સુનીલ ગાવસ્કરે અમ્પાયરોને ફટકારતા કહ્યું કે, 'અને અમ્પાયરો માત્ર ત્યાં જોઈ રહ્યા છે. રોહિત શર્મા અને માર્નસ લાબુશેન વચ્ચે વાતચીત ચાલી રહી છે તો અમ્પાયરો માત્ર જોઈ રહ્યા છે. સ્લિપ કોર્ડનમાં ફિલ્ડિંગ કરી રહેલો વિરાટ કોહલી પણ આ મુદ્દે પોતાની નારાજગી વ્યક્ત કરતો દેખાયો હતો. ત્યારબાદ માર્નસ લાબુશેન રોહિત શર્મા સાથે સહમત જણાયો અને તેણે તેની વાત માનીને માથું હલાવ્યું.