IND VS AUS : રોહિત શર્મા અમારો લીડર છે...: રિષભ પંતનું દર્દ છલકાયું, જુઓ શું કહ્યું
Rishabh Pant on Rohit Sharma : સિડનીમાં 3 જાન્યુઆરીથી શરૂ થયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. જેમાં ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં 185 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સ્કોટ બોલેન્ડે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ હવે સ્ટમ્પ સુધીમાં એક વિકેટના નુકસાને 9 રન બનાવી લીધા છે. બુમરાહે ખ્વાજાને આઉટ પેવેલિયન ભેગો કર્યો હતો. રોહિતે પોતાને આ મેચથી દૂર રાખ્યો હતો અને તેની જગ્યાએ જસપ્રીત બુમરાહે ટીમની કેપ્ટનશીપ કરી હતી.
અમારી ટીમમાં ઘણી એકતા છે
ટોસ સમયે બુમરાહે કહ્યું હતું કે, 'સ્વાભાવિક છે કે અમારા કેપ્ટન (રોહિત શર્મા)એ પણ પોતાની નેતૃત્વ ક્ષમતા બતાવી છે. તેણે આ મેચમાં આરામ કરવાનું પસંદ કર્યું છે. આ દર્શાવે છે કે અમારી ટીમમાં ઘણી એકતા છે. જેમાં કોઈ સ્વાર્થ નથી. જે પણ ટીમના હિતમાં હશે તે જ અમે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.'
તે અમારા લીડર છે- પંત
પંતે આ મેચમાં 98 બોલમાં 40 રનની ઇનિંગ રમીને ભારતીય ટીમનો ટોપ સ્કોરર ખેલાડી રહ્યો હતો. સિડનીમાં પહેલા દિવસની રમત બાદ જ્યારે રિષભ પંત પ્રેસ કોન્ફરન્સ માટે આવ્યો હતો ત્યારે તેને રોહિતના નિર્ણય વિશે પૂછવામાં આવ્યું હતું. આ અંગે પંતે જવાબ આપતા કહ્યું કે, 'તે ભાવનાત્મક ક્ષણ હતી, તે અમારા લીડર છે પરંતુ તે ટીમ મેનેજમેન્ટનો નિર્ણય છે. હું આ વાતચીતનો ભાગ ન હતો તેથી તેના વિશે હું વધુ કહી શકું નહીં.'
મેચ પહેલા રોહિત કોહલી, પંત સાથે ફૂટબોલ રમતા જોવા મળ્યો
રોહિત મેચ પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન વિરાટ કોહલી, પંત અને સરફરાઝ ખાન સાથે ફૂટબોલ રમતા જોવા મળ્યો હતો. આ પછી રોહિત ટીમના વીડિયો એનાલિસ્ટ હરિ પ્રસાદ સાથે ચર્ચા કરતો જોવા મળ્યો હતો. તે ટોસના સમય પહેલા જ આઉટફિલ્ડની બહાર નીકળી ગયો હતો. રોહિત ડ્રેસિંગ રૂમની બહાર ફિલ્ડિંગ કોચ રેયાન ટેન ડોશેટ સાથે બેઠો હતો. જ્યાં મુખ્ય કોચ ગૌતમ ગંભીર બંનેથી થોડા અંતરે બેઠો હતો.
ટૂંક સમયમાં ટેસ્ટ કારકિર્દીને અલવિદા કહી શકે છે રોહિત
ટેસ્ટ ક્રિકેટમાં રોહિત માટે 2024નું વર્ષ કઇ ખાસ રહ્યું ન હતું. કારણ કે તેણે 14 મેચની 26 ઇનિંગ્સમાં 24.76ની સરેરાશથી 619 રન બનાવ્યા હતા. મેલબર્નમાં તેની 67મી ટેસ્ટ રમનાર રોહિત પણ ટૂંક સમયમાં ટેસ્ટ કારકિર્દીને અલવિદા કહી શકે છે. રોહિત ફોર્મ માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો છે. છેલ્લી 9 ટેસ્ટ મેચોમાં તેની બેટિંગ સરેરાશ 10.93 રહી છે. બોર્ડર-ગાવસ્કર સીરિઝમાં તેણે 6 ઇનિંગ્સમાં માત્ર 6.2ની સરેરાશથી 31 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે અનુક્રમે 3, 6, 10, 3 અને 9 રન બનાવ્યા હતા. જે ઓસ્ટ્રેલિયાની ધરતી પર કોઈપણ વિદેશી કેપ્ટનની સૌથી ઓછી સરેરાશ છે.