'રોહિત જાડિયો થઈ ગયો, લાંબા સમય રમી શકે તેવો ક્રિકેટર નથી રહ્યો', દિગ્ગજ ક્રિકેટર પર ફેન્સ ગુસ્સે
Daryll Cullinan on Rohit Sharma: આ દિવસોમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માના ફોર્મને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા છે. રોહિત ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચ (IND vs AUS)માં ફ્લોપ રહ્યો હતો. આથી સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર ડેરિલ કલિનનને પણ રોહિત પર નિશાન સાધ્યું છે.
જાણો રોહિત શર્મા વિષે શું કહ્યું ડેરિલ કલિનનને
ડેરિલ કલિનનને રોહિત શર્માને વધુ વજનવાળા અને માત્ર સપાટ પીચો પર રન બનાવનાર ક્રિકેટર ગણાવતા કહ્યું કે, 'તમે ફિટનેસ બાબતે વિરાટ કોહલી અને અન્ય ભારતીય ખેલાડીઓને જુઓ, હું આ પહેલા પણ કહેતો આવ્યો છું અને હવે ફરી કહું છું કે રોહિત માત્ર ભારતીય પરિસ્થિતિઓમાં જ સારું રમી શકે છે. તે એક એવો ક્રિકેટર છે જે માત્ર સપાટ પીચ પર જ રમે છે. તેનો રેકોર્ડ તમે ભારત બહાર જોઈ શકો છો. જ્યારે પણ તે દક્ષિણ આફ્રિકા આવે છે ત્યારે તેને જોઈને સ્પષ્ટ થઈ જાય છે કે તેને શોર્ટ બોલ પસંદ નથી. તેને બદલે મિડલ ઓર્ડરમાં રમવાના બદલે ઓપનિંગ કરવું જોઈએ અને સામેથી ટીમનું નેતૃત્વ કરવું જોઈએ.'
રોહિત ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે
રોહિતની વાત કરીએ તો તે ન્યૂઝીલેન્ડ સામેની હોમ ટેસ્ટ સિરીઝ દરમિયાન પણ તે કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે ત્રણ ટેસ્ટની છ ઇનિંગ્સમાં માત્ર 91 રન જ બનાવી શક્યો હતો. તેમજ રોહિતે ઓસ્ટ્રેલિયા સામેની પર્થ ટેસ્ટમાં પણ ભાગ લીધો ન હતો.
રોહિત એડિલેડ ટેસ્ટમાં ટીમ સાથે જોડાયેલો હતો. મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતા રોહિત આ મેચની બે ઇનિંગ્સમાં માત્ર 3 અને 6 રન જ બનાવી શક્યો હતો. આ મેચ બાદ એક ઈન્ટરવ્યુમાં સુનીલ ગાવસ્કરે પણ કહ્યું હતું કે, 'રોહિતે પોતાના નિયમિત સ્થાન પર પાછા આવવું જોઈએ.'
જો વર્ષ 2024ની વાત કરીએ તો ટેસ્ટ ક્રિકેટમાં આ વર્ષ રોહિત માટે કંઈ ખાસ રહ્યું નથી. 12 ટેસ્ટની 23 ઇનિંગ્સમાં તે માત્ર 597 રન જ બનાવી શક્યો હતો. ફેન્સને આશા છે કે રોહિત 14મી ડિસેમ્બરથી શરૂ થતી ગાબા ટેસ્ટમાં વાપસી કરશે.