લેપટોપ, પેન-પેપર લઇને બહાર બેસેલા લોકો નક્કી ના કરે કે હું નિવૃત્ત ક્યારે થઇશ..: રોહિત શર્મા
Rohit Sharma: ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ શનિવારે પોતાની નિવૃત્તિ અંગેની તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા કહ્યું હતું કે, 'હું સિડની ટેસ્ટ બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નથી.' ભારતીય કેપ્ટને ખરાબ ફોર્મને કારણે ઓસ્ટ્રેલિયા સામેની સિડની ટેસ્ટમાં ન રમવાનો નિર્ણય લીધો હતો, જેના કારણે એવી અટકળો શરૂ થઈ કે આ તેની ટેસ્ટ કારકિર્દીની છેલ્લી ટેસ્ટ હોઈ શકે છે.
રોહિતે ભવિષ્ય વિશે વાત કરી
સિડની ટેસ્ટ મેચ દરમિયાન આપેલા એક ઇન્ટરવ્યુમાં રોહિતે તેના ટેસ્ટ ભવિષ્ય વિશેની અટકળોનો અંત લાવ્યો હતો. રોહિતે આ મુલાકાતમાં નજીકના ભવિષ્ય માટેની તેમની યોજનાઓ વિશે વાત કરતા કહ્યું કે, 'મે ખરાબ ફોર્મના કારણે માત્ર આ મેચ માટે જ પ્લેઈંગ ઈલેવનમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે, આ નિવૃત્તિનો નિર્ણય નથી. હું આ રમતથી દૂર નથી જઈ રહ્યો. પરંતુ મેં આ મેચથી દૂર રહેવાનું નક્કી કર્યું કારણ કે હું રન બનાવી શકતો ન હતો. હું 2 મહિના કે 5 મહિના પછી રન બનાવી શકીશ તેની કોઈ ગેરંટી નથી. મેં ઘણું ક્રિકેટ જોયું છે. જીવન દર મિનિટે, દર સેકન્ડે અને દરરોજ બદલાય છે. આથી હું માનું છું કે વસ્તુઓ બદલાશે પરંતુ તે જ સમયે મારે વાસ્તવિક બનવું જોઈએ. કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા લોકો કે હાથમાં લેપટોપ લઈને લખતા લોકો નક્કી નહીં કરે કે મારું જીવન કેવું હશે.'
આ નિવૃત્તિનો નિર્ણય નથી - રોહિત
નિવૃત્તિ અંગે વાત કરતા રોહિતે કહ્યું કે, 'મને વિશ્વાસ નથી થતો કે 6 મહિના કે 4 મહિનામાં શું થશે. હું હંમેશા વર્તમાનમાં જીવું છું અને અત્યારે શું કરવાની જરૂર છે તે વિશે વિચારું છું. આ નિવૃત્તિનો નિર્ણય નથી. હું ફોર્મમાં ન હોવાથી મેચમાંથી બહાર છું. જીવન દરરોજ બદલાય છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે વસ્તુઓ બદલાશે. જો કે, મારે મારી જાત પ્રત્યે સાચું હોવું જોઈએ અને વાસ્તવિક પણ હોવું જોઈએ. હું વધુ સમજદાર છું. હું પરિપક્વ છું અને 2 બાળકોનો પિતા છું. તેથી હું જાણું છું કે ક્યારે શું કરવું. આ અંગે તમારે સમજવાની જરૂર છે કે ટીમને શું જોઈએ છે. જો તમે ટીમ વિશે નથી વિચારતા તો ટીમને પણ એવા ખેલાડી નથી જોઈતા, તેથી ટીમને શું જોઈએ છે તે વિશે હંમેશા વિચારો.'