કોન્સ્ટાસ-કોહલીની લડાઈમાં દોષિત કોણ? દિગ્ગજ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરના નિવેદનથી હોબાળો!
Virat-Konstas Fight: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને કંગારૂ ઓપનર સેમ કોન્સ્ટાસ વચ્ચે અથડામણ ચર્ચાસ્પદ બની છે. બંને ખેલાડીઓ વચ્ચે વિવાદ વધતાં ઓસ્ટ્રેલિયાના બેટર ઉસ્માન ખ્વાજા અને એમ્પ્યાર માઈકલ ગફએ દખલગીરી કરી બંનેને શાંત પાડ્યા હતા. જો કે, વીડિયો વાયરલ થતાં કમેન્ટ્સની ભરમાર જોવા મળી રહી છે.
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ પૂર્વ કેપ્ટન અને હાલ ઓસ્ટ્રેલિયન ટીમના કોચ રિકી પોઈન્ટિંગે પણ આ ઘટના અંગે નિવેદન આપી કોહલીને દોષિત ઠેરવ્યો છે. પોઈન્ટિંગે કહ્યું છે કે, ‘વિરાટે આ વિવાદને જન્મ આપ્યો છે. એ વીડિયો જોતાં તેમાં શંકાને કોઈ સ્થાન જ નથી.’
પોઈન્ટિંગને ચાહકોએ અરીસો બતાવ્યો
રિકી પોઈન્ટિંગના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર યુઝર્સ ભારતની તરફેણમાં કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું હતું કે, પોઈન્ટિંગ આજે જે નૈતિક મૂલ્યોના આશરે કોહલીને દોષિત ઠેરવી રહ્યો છે, તેણે 2008માં કરેલી ભૂલને પણ ધ્યાનમાં લેવી જોઈએ.
2008માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની એક મેચમાં સાયમન્ડ્સે ભજ્જી (હરભજનસિંઘ)ને મંકી કહ્યો હતો. બાદમાં હરભજન પર પ્રતિબંધ પણ લાદવામાં આવ્યો હતો. જો કે, ભારતીય ટીમ દ્વારા વિરોધ કરાતાં તેમજ મેચ ટૂરને અધવચ્ચે જ છોડીને જવાની ધમકી આપતાં ભજ્જી પર લગાવેલા આરોપો દૂર કરાયા હતા. આ સમયે આ જ સિરીઝમાં પોઈન્ટિંગે ફિલ્ડ એમ્પાયર પર પોતાના નિર્ણય થોપવાનું દબાણ કર્યું હતું. તે સમયે 19 વર્ષના ભજ્જીને ટોણો મારી અપમાનિત કર્યો હતો.
આ વીડિયોમાં કોહલી જાણી જોઈને કોન્સ્ટાસ સાથે અથડાયો હતો. જેથી કોન્સ્ટાસ અને કોહલી વચ્ચે બોલાચાલી થઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિવાદ અંગે યુઝર્સે કોહલી વિરૂદ્ધ પણ પ્રતિક્રિયા આપી છે. એક યુઝર્સે લખ્યું છે કે, ‘કોહલી એક દિગ્ગજ ખેલાડી હોવા છતાં તેને આ પ્રકારનું વર્તન શોભતું નથી.’
ક્યાંથી શરૂ થયો આ વિવાદ
ઓસ્ટ્રેલિયન બેટર્સે ધુઆંધાર બેટિંગ કરી ભારતીય બોલર્સને ધોયા હતા. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજની ચતુરાઈ પણ કામે ન લાગી હતી. જેથી ઓસ્ટ્રેલિયન ખેલાડીનું ધ્યાન ભંગ કરવા કોહલીએ આમ કર્યું હોવાની ચર્ચા થઈ રહી છે. આ વીડિયોમાં કોહલી કોન્સ્ટાસની સામે આવી જાણી જોઈને ખભો અથડાવતો જોવા મળે છે. ત્યારબાદ કોન્સ્ટાસ ગુસ્સામાં કોહલી સાથે બોલાચાલી કરે છે. જો કે, એમ્પાયર અને તેના સાથી બેટરે દખલગીરી કરી બંનેને અટકાવ્યા હતા. આ સમગ્ર ઘટના બાદ પણ કોન્સ્ટાસે પોતાની આક્રમક બેટિંગનો અંદાજ જાળવી રાખ્યો હતો.