ઑસ્ટ્રેલિયન મીડિયાએ ભારતીય ટીમ સાથે કર્યો દુર્વ્યવહાર, રવીન્દ્ર જાડેજા વિશે ફેલાવ્યું જુઠ્ઠાણું
IND Vs AUS, Ravindra Jadeja : હાલ ભારતીય ક્રિકેટ ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની 5 ટેસ્ટ મેચની સીરિઝ રમવા માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે. આ ટેસ્ટ સીરિઝની પહેલી મેચ પર્થમાં રમાઈ હતી. જે ભારતે 295 રને જીતી લીધી હતી. ત્યારબાદ એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટે જીત મેળવી હતી. આ પછીની ગાબા ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. હાલમાં 5 ટેસ્ટ મેચની સીરિઝની 1-1 થી બરાબર છે. હવે ચોથી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરથી મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાશે.
શું થયું જાડેજાની પ્રેસ કોન્ફરન્સમાં?
ભારતીય ટીમે મેલબોર્ન ટેસ્ટ માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. 21મી ડિસેમ્બરના રોજ ભારતીય ટીમનું MCG ખાતે પહેલું પ્રેક્ટિસ સેશન હતું. રવીન્દ્ર જાડેજાએ પ્રેક્ટિસ સેશન દરમિયાન મીડિયાને સંબોધન કર્યું હતું. પ્રેસ કોન્ફરન્સ (PC) દરમિયાન જાડેજાએ હિન્દીમાં પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ઓસ્ટ્રેલિયન પત્રકારોના જણાવ્યા અનુસાર તેઓ જાડેજાને અંગ્રેજીમાં પ્રશ્નો પૂછવા માંગતા હતા. પરંતુ તેણે અંગ્રેજીમાં જવાબ આપ્યા ન હતા. જો કે બાબત ખોટી છે કારણ કે જાડેજાએ ભારતીય પત્રકારોને હિન્દીમાં જવાબ આપ્યા હતા. કે જેમણે જાડેજાને હિન્દીમાં પ્રશ્ન પૂછ્યા હતા.
ઓસ્ટ્રેલિયન મીડિયાએ કરી ગેરવર્તણૂક
સમયના અભાવે કેટલાક ભારતીય પત્રકારો પણ પ્રશ્નો પૂછી શક્યા ન હતા. જો કે, ઓસ્ટ્રેલિયન મીડિયા જાડેજાથી એકદમ નારાજ થઇ ગયું હતું. ભારતીય ટીમના મીડિયા મેનેજરે તેમને સમજાવવાની કોશિશ કરી કે, આ PC માત્ર ભારતીય મીડિયા માટે જ હતી. પરંતુ ઓસ્ટ્રેલિયન મીડિયા આ વાત પચાવી શક્યું નહીં. ઓસ્ટ્રેલિયાના કેટલાક રિપોર્ટર્સ ભારતીય ટીમના મીડિયા મેનેજર પર ગુસ્સે જોવા મળ્યા હતા. તેમણે મીડિયા મેનેજર સાથે ગેરવર્તણૂક કરી હતી. જે અયોગ્ય હતી. ઓસ્ટ્રેલીયન પત્રકારોનો આરોપ છે કે, જાડેજા એ બસ પકડવાનું બહાનું કાઢીને પ્રેસ કોન્ફરન્સ છોડી દીધી હતી. જો કે આરોપ ખોટો છે. કારણ કે, જાડેજાએ કયારેય કહ્યું ન હતું કે, મારે બસ પકડવાની છે. આ સિવાય ઓસ્ટ્રેલિયા દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પણ ઘણાં ભારતીય પત્રકારોને સમયના અભાવે પ્રશ્નો પૂછવાનો મોકો મળતો ન હતો. પરંતુ ભારતીય પત્રકારો ક્યારેય દલીલ કે ગેરવર્તન કર્યું ન હતું.
અગાઉ કોહલી સાથે આવું જ કંઇક થયું હતું
ઓસ્ટ્રેલિયન મીડિયામાં તેની ટીમના 12માં ખેલાડી તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને જ્યારે તેમનો મુકાબલો ભારત જેવી મજબૂત ટીમ સામે હોય. વર્ષ 2008માં મંકીગેટ હોય કે તાજેતરની ઘટના જેમાં વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયન પત્રકાર વચ્ચે બોલાચાલી થઇ હતી.
સેલિબ્રિટીના વીડિયો કે ફોટોગ્રાફ લેવા પર કોઈ પ્રતિબંધ નથી
અહીં તમને જણાવી દઈએ કે મેલબોર્ન પહોંચ્યા બાદ વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયન મહિલા પત્રકાર સાથે દલીલ કરી હતી. કોહલી તેના પરિવારની તસવીર લેવાના મામલે પત્રકાર પર ગુસ્સે થઇ ગયો હતો. વિરાટે મહિલા પત્રકારને તેની તસવીરો ચલાવવા પરંતુ તેના પરિવારની તસવીરો ડિલીટ કરવાની વિનંતી કરી. પરંતુ પત્રકારે કોહલીની વાત ન સાંભળી. ઓસ્ટ્રેલિયન કાયદા અનુસાર કોઈપણ સાર્વજનિક સ્થળે કોઈપણ સેલિબ્રિટીના વીડિયો કે ફોટોગ્રાફ લેવા પર કોઈ પ્રતિબંધ નથી.