ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં 'સર' જાડેજા કરશે વાપસી? ઈજા પર આવ્યું મોટું અપડેટ
હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં જાડેજાએ ભારત માટે 5 વિકેટ ઝડપી હતી
Image:Twitter |
IND vs ENG 2nd Test, Ravindra Jadeja Injury Update : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝની બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. આ દરમિયાન ભારતીય ટીમના અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ફિટનેસને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. હેમસ્ટ્રિંગની ઈજાથી પીડિત રવિન્દ્ર જાડેજા હાલ રિકવરી માટે નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે. જો કે અહેવાલો મુજબ જાડેજા ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝમાંથી બહાર થઈ શકે છે.
કોઈપણ ખેલાડીને સાજા થવામાં લાગે છે આટલો સમય
મળેલા અહેવાલો મુજબ રવિન્દ્ર જાડેજા હેમસ્ટ્રિંગની ઈજાના કારણે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝની બાકી મેચોમાંથી બહાર થઇ શકે છે. સામાન્ય રીતે, કોઈપણ ખેલાડીને હેમસ્ટ્રિંગની ઈજામાંથી સાજા થવામાં ત્રણથી આઠ અઠવાડિયાનો સમય લાગે છે. આવી સ્થિતિમાં જાડેજાનું ટેસ્ટ સીરિઝમાંથી બહાર થવું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. જો રવિન્દ્ર જાડેજા આ ટેસ્ટ સીરિઝમાંથી બહાર થઈ જાય છે તો તે ભારતીય ટીમ માટે મોટો ઝટકો હશે.
પ્રથમ ટેસ્ટ મેચમાં જાડેજાનું શાનદાર પ્રદર્શન
રવીન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડ સામે હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે આ મેચમાં બેટિંગ અને બોલિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ મેચમાં જાડેજાએ કુલ 5 વિકેટ ઝડપી હતી. આ મેચની પ્રથમ ઇનિંગમાં તેણે ભારત માટે 87 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જો કે તે ભારતને જીત તરફ લઈ જઈ શક્યો ન હતો અને ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટમાં ભારતને 28 રનથી હરાવ્યું હતું. આ ટેસ્ટ પછી જ જાડેજાને ઈજા થઇ હતી અને તેને બીજી ટેસ્ટમાંથી બહાર થવું પડ્યું હતું.