IND vs AUS: રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિ પર રવિ શાસ્ત્રીની ભવિષ્યવાણી, ચાહકો ચોંક્યા
Ravi Shastri on Rohit Sharma & Virat Kohli : હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં પોતાના ખરાબ પ્રદર્શનને લઈને ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટર વિરાટ કોહલી આકરી ટીકાઓનો સામનો કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા સામેની વર્તમાન ટેસ્ટ સીરિઝમાં રોહિતે બેટથી કંઈ ખાસ યોગદાન આપ્યું નથી. જ્યારે વિરાટ કોહલીએ એકમાત્ર સદી પર્થમાં કરી હતી અને તે પછીનો તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 36 રહ્યો હતો.
શું કહ્યું રવિ શાસ્ત્રીએ?
હવે પૂર્વ ભારતીય ક્રિકેટર રવિ શાસ્ત્રીએ એક વાતચીતમાં કહ્યું હતું કે, 'વિરાટ કોહલી હજુ 3-4 વર્ષ સુધી રમશે. અને રોહિત શર્મા ટોપ ઓર્ડરનો બેટર છે અને તે નિવૃત્તિનો નિર્ણય પોતાની રીતે લેશે.' આ સીરિઝમાં અત્યાર સુધીમાં રોહિતે બીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં 3 અને બીજી ઇનિંગમાં 6 રન બનાવ્યા હતા. ત્યારબાદ ત્રીજી ટેસ્ટમાં રોહિતે પહેલી ઇનિંગમાં 10 રન બનાવી આઉટ થઇ ગયો હતો. આ બંને મેચમાં રોહિત શર્માએ છઠ્ઠા ક્રમે બેટિંગ કરી હતી અને તે ફ્લોપ સાબિત થયો હતો.
ચોથી ટેસ્ટની પહેલી ઇનિંગમાં રોહિત ઓપનીંગ કરવા આવ્યો હતો પરંતુ તેના નસીબ અને ફોર્મ બંનેએ તેને નિરાશ કર્યો હતો અને તે 3 રન બનાવીને પેટ કમિન્સનો શિકાર બની ગયો હતો. આ દરમિયાન રોહિતની સ્ટ્રાઈક રેટ પણ ધીમી રહી હતી. જેના કારણે ટીમ પર દબાણ વધી ગયું હતું. રોહિત શર્માએ છેલ્લી 14 ઇનિંગ્સમાં 11ની સરેરાશથી માત્ર 155 રન બનાવ્યા છે.
વિરાટનું ઓસ્ટ્રેલીયા સામે નિરાશાજનક પ્રદર્શન
વિરાટ કોહલીની વાત કરીએ તો અત્યાર સુધીમાં તેણે આ સીરિઝમાં પહેલી ટેસ્ટની પહેલી ઇનિંગમાં પોતાના બેટથી 5 રન અને બીજી ઇનિંગમાં સદી ફટકારીને ચાહકોમાં પુનરાગમનની આશા જગાવી હતી. જ્યારે બીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં તેણે 7 રન અને બીજી ઇનિંગમાં 11 રન કર્યા હતા. અને પછી ત્રીજી ટેસ્ટમાં વિરાટે પહેલી ઇનિંગમાં 3 રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં તેને બેટિંગ કરવાની તક જ મળી ન હતી. કારણ કે ટેસ્ટ ડ્રો રહી હતી. આ તમામ મેચમાં વિરાટે નંબર 4 પર બેટિંગ કરી હતી અને તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. આ પછી ચોથી ટેસ્ટની પહેલી ઇનિંગમાં વિરાટે 36 રનની ઇનિંગ રમી હતી. વિરાટ બીજી ઈનિંગમાં પણ તેનું બેટ ચાલ્યું ન હતું અને તે 5 રન બનાવીને મિચેલ સ્ટાર્કનો શિકાર બન્યો હતો.