21 મહિના બાદ અશ્વિનની વનડે ટીમમાં વાપસી, જાણો છેલ્લી 5 મેચમાં કેવું રહ્યું પ્રદર્શન
વર્ષ 2011માં જયારે ભારતે વર્લ્ડ કપ જીત્યું ત્યારે અશ્વિન ટીમનો ભાગ હતો
વર્ષ 2022માં અશ્વિને વનડે ફોર્મેટમાં તેની છેલ્લી મેચ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી
Image:Twitter |
વનડે વર્લ્ડ કપ 2023 પહેલા ઓસ્ટ્રેલિયા સામે રમાનાર 3 મેચોની વનડે સિરીઝ માટે ગઈકાલે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ટીમમાં અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની 21 મહિના બાદ વાપસીથી ક્રિકેટ ફેન્સ ચોંકી ગયા હતા. અશ્વિનને સિરીઝની ત્રણેય મેચમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સાથે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે તેને વર્લ્ડ કપ માટે પણ ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
વનડે વર્લ્ડ કપ 2011માં ભારતીય ટીમનો સભ્ય હતો અશ્વિન
વર્ષ 2022માં અશ્વિને વનડે ફોર્મેટમાં તેની છેલ્લી મેચ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. અશ્વિને વર્ષ 2010માં વનડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યો હતો અને વર્ષ 2017 સુધી તે ભારતીય ટીમનો મહત્વપૂર્ણ સભ્ય હતો. આ પછી કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલના ટીમમાં આવવાથી તેણે પોતાનું સ્થાન ગુમાવવું પડ્યું હતું. વર્ષ 2011માં જયારે ભારતે વર્લ્ડ કપ જીત્યું ત્યારે તે ટીમનો ભાગ હતો. અત્યાર સુધી અશ્વિને વર્લ્ડ કપમાં કુલ 10 મેચ રમી છે જેમાં તેણે 24.88ના સરેરાશથી 17 વિકેટ લીધી છે.
113 વનડે મેચમાં 151 વિકેટ
એશિયા કપમાં અક્ષર પટેલના ઈજાગ્રસ્ત થવા બાદ અશ્વિનના અનુભવને જોતા તેણે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સાથે અશ્વિન નીચલા ક્રમમાં બેટિંગ પણ કરી શકે છે. અશ્વિને અત્યાર સુધી ભારતીય ટીમ માટે 113 વનડે મેચમાં 33.5ના સરેરાશથી 151 વિકેટ લીધી છે. આ ઉપરાંત તેણે 707 રન પણ બનાવ્યા છે જેમાં એક ફિફ્ટી પણ સામેલ છે.
છેલ્લી 5 વનડે મેચમાં માત્ર 5 વિકેટ લીધી અશ્વિને
છેલ્લી 5 વનડે મેચોમાં અશ્વિનનું પ્રદર્શન જોઈએ તો તે કંઈ ખાસ રહ્યું નથી. તેણે દક્ષિણ આફ્રિકા સામે જાન્યુઆરી 2022માં 3 મેચની વનડે સિરીઝમાં 2 મેચમાં 1 વિકેટ લીધી હતી. આ પહેલા વર્ષ 2017માં વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ પર રમાયેલી 5 મેચની વનડે સિરીઝમાં અશ્વિનને 2 મેચ રમવાનો મોકો મળ્યો હતો જેમાં તેણે 4 વિકેટ લીધી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી 2017 ફાઈનલમાં અશ્વિન એક પણ વિકેટ લેવામાં સફળ રહ્યો ન હતો.