IND vs AUS: મોહમ્મદ શમી ઑસ્ટ્રેલિયા નહીં જાય, રોહિત શર્માએ જે કહ્યું તે સાચું પડ્યું
Mohammed Shami Update : રોહિત શર્માની કેપ્ટનશીપમાં હાલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બોર્ડર ગાવસ્કર ટ્રોફી હેઠળ 5 મેચોની ટેસ્ટ સીરિઝ રમી રહી છે. આ દરમિયાન ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સ્પષ્ટ કર્યું છે કે, ઝડપી બોલર મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જઈ શકશે નહીં.
રોહિતે કહ્યું હતું તે આખરે સાચું પડ્યું
BCCIએ જારી કરેલા નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે, કેપ્ટન રોહિતે તાજેતરમાં શમીની ઈજાને લઈને જે પણ કહ્યું હતું તે આખરે સાચું પડ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, શમી ઓસ્ટ્રેલિયા પ્રવાસની બાકી રહેલી છેલ્લી 2 ટેસ્ટ મેચ રમી શકે છે. પરંતુ હવે આ શક્ય બનશે નહીં.
શું કહ્યું હતું રોહિતે?
હકીકતમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા અને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ દરમિયાન કેપ્ટન રોહિતે કહ્યું હતું કે, 'શમી હજુ સુધી સંપૂર્ણ રીતે ફિટ તઃયો નથી અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝ માટે તેની પસંદગી થવી મુશ્કેલ છે. અમે અનફિટ શમીને ટીમમાં સામેલ કરવા માંગતા નથી.' અહીં તમને જણાવી દઈએ કે, શમી ઈજાના કારણે વનડે વર્લ્ડકપ 2023ની ફાઈનલ બાદથી ટીમની બહાર છે. તેણે પગના ઘૂંટણની સર્જરી કરાવી છે.
BCCIની મેડિકલ ટીમે શું કહ્યું?
શમીની ઈજાને લઈને BCCIની મેડિકલ ટીમે કહ્યું હતું કે, 'શમી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો છે. સર્જરી બાદ તેનું રીહેબ પણ પૂર્ણ થઈ ગયું છે. આમ છતાં મેડિકલ ટીમ શમીની ઈજા પર ચાંપતી નજર રાખી રહી છે. શમીએ ઘણાં લાંબા સમય બાદ બોલિંગ કરી છે. આ સ્થિતિમાં સોજો આવવો સ્વાભાવિક છે. તેથી શમીને તેની બોલિંગની લય અને ક્ષમતા ફરીથી પહેલાની જેમ મેળવવામાં સમય લાગશે. આ કારણે શમી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી બે ટેસ્ટ માટે ફિટ નથી.'
હાલ રણજી ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમ્યો હતો શમી
શમીએ તાજેતરમાં જ રણજી ટ્રોફીમાં બંગાળ તરફથી રમતા મધ્યપ્રદેશ સામેની મેચમાં 43 ઓવર ફેંકી હતી. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની તમામ 9 મેચો પણ શમીએ રમી હતી. આ સિવાય તેણે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની તૈયારી માટે વધારાના બોલિંગ સેશન ચાલુ કરી દીધા હતા. જો કે, આ બધા બોલિંગ વર્કલોડને કારણે શમીના સાંધા પર દબાણ અને વજનને કારણે તેના ડાબા ઘૂંટણમાં થોડો સોજો આવી ગયો હતો.