વિકેટ લેતાં જ સ્ટાર્કે બતાવી જીભ, લોકોએ યશસ્વીને કહ્યું- ભાઈ, હવે માફી માંગી લે
IND vs AUS : ઓસ્ટ્રેલિયન ટીમે ગાબાના મેદાનમાં ભારતીય ટીમને બેકફૂટ પર ધકેલી દીધી છે. ઓસ્ટ્રેલિયાની ટીમે પહેલી ઇનિંગમાં 445 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ભારતીય ટીમે ત્રીજા દિવસે વરસાદને કારણે 4 વિકેટે ગુમાવીને 51 રન બનાવી લીધા હતા. મિચેલ સ્ટાર્કે ઓસ્ટ્રેલિયા માટે ગાબા મેદાન પર ધુંઆધાર બોલિંગ કરી યશસ્વી જયસ્વાલ (4) અને શુભમન ગિલ (1)ને સસ્તામાં આઉટ કરી દીધા હતા.
સ્ટાર્કે જયસ્વાલને ચીડવ્યો
હકીકતમાં ઓસ્ટ્રેલિયન ટીમે 445 રન બનાવ્યા બાદ ભારતીય ટીમ માટે કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરવા આવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે મિચેલ સ્ટાર્ક પહેલી ઓવર ફેંકવા આવ્યો હતો. અને જયસ્વાલે તેના પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આ પછી બીજા બોલ પર જયસ્વાલે હવામાં ફ્લિક શોટ રમ્યો હતો. જે બોલ સીધો મિશેલ માર્શના હાથમાં ગયો હતો. અને તેણે શાનદાર રીતે તેનો કેચ પકડી લીધો હતો. આ રીતે જ એડિલેડ ટેસ્ટ મેચમાં સ્ટાર્કે પહેલી ઇનિંગમાં પહેલા બોલ અને હવે ગાબા ટેસ્ટમાં બીજા બોલ પર જયસ્વાલને આઉટ કરી દીધો હતો. ત્યારે તેણે પોતાની જીભ બહાર કાઢીને તેને ચીડવ્યો હતો. જયસ્વાલ બે બોલમાં ચાર રન બનાવીને આઉટ થઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. જ્યારે ચાહકોએ હવે યશસ્વીને સ્ટાર્ક પાસેથી માફી માંગવાની સલાહ આપી છે.
ભારતે ફોલોઓનથી બચવા 246 રન કરવા પડશે
પર્થમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલે બીજી ઇનિંગમાં 161 રન બનાવ્યા હતા. આ દરમિયાન બેટિંગ કરતી વખતે જયસ્વાલે સ્ટાર્કને ધીમો બોલર કહીને તેને ચીડવ્યો હતો. ત્યારે સ્ટાર્ક હવે જયસ્વાલનો કાળ બની ગયો છે અને તેને પાંચ ઇનિંગ્સમાં ત્રણ વખત જયસ્વાલને પેવેલિયન ભેગો કરી દીધો હતો. જ્યારે અગાઉ મિશેલ માર્શ અને સ્કોટ બોલેન્ડ એક-એક વખત તેની વિકેટ લઇ ચૂક્યા છે. ગાબા ટેસ્ટ મેચમાં જો ભારતીય ટીમને ફોલોઓનથી બચવું હોય તો ટીમને 246 રનના સ્કોર સુધી પહોંચવું પડશે. ભારત પાસે હજુ છ વિકેટ બાકી છે. જો ભારત આમ નહીં કરે તો તે ભારતને આ ટેસ્ટ મેચ હારવાનું જોખમ વધી જાય છે.