IND vs AUS World Cup Final in Ahmedabad : ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ જોડી માટે સૌથી મોટો ખતરો શમી, જુઓ લેફ્ટ હેન્ડર સામે કેવા છે આંકડા
મોહમ્મદ શમીએ ODI World Cup 2023ની 6 મેચમાં 23 વિકેટ ઝડપી છે
Image:IANS |
World Cup 2023 Final IND vs AUS : ભારત અને ઓટ્રેલિયા વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ODI World Cup 2023ની ફાઈનલ મેચ રમાનાર છે. ભારતીય ટીમના દરેક ખેલાડીએ આ વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમના ફાસ્ટ બોલરોએ આ વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે ખાસ કરીને મોહમ્મદ શમીએ પોતાની ઘાતક બોલિંગથી સૌને આશ્ચર્યચકિત કર્યા છે. ભારતીય ફાસ્ટ બોલરની ત્રિપુટી સામે આજે ઓસ્ટ્રેલિયન બેટર્સ હશે.
ઓસ્ટ્રેલિયા માટે સૌથી મોટો ખતરો છે શમી
ઓસ્ટ્રેલિયા માટે ડેવિડ વોર્નર અને ટ્રેવિસ હેડ ઓપનિંગ કરે છે અને બંને લેફ્ટ હેન્ડર છે. બંને વિસ્ફોટક બેટ્સમેન છે. જો કે આ વખતે તેમની સામે ભારતીય ફાસ્ટ બોલરની ત્રિપુટી હશે. વોર્નર અને હેડને બુમરાહથી એટલો ખતરો નથી, કારણ કે બુમરાહ અત્યાર સુધી એકવાર પણ વોર્નરને આઉટ કરી શક્યો નથી. પરંતુ મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા માટે સૌથી મોટો ખતરો બની શકે છે. શમીનો ODI World Cup 2023માં લેફ્ટ હેન્ડર સામે રેકોર્ડ શાનદાર છે. શમીએ ODI World Cup 2023માં માત્ર 52 બોલમાં 8 લેફ્ટ હેન્ડર બેટ્સમેનોને આઉટ કર્યા છે.
શમી સૌથી વધુ વિકેટ લેનાર બોલર
મોહમ્મદ શમી ODI World Cup 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે માત્ર 6 મેચમાં 23 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેણે 9.13ની બોલિંગ એવરેજ અને 10.91ના સ્ટ્રાઈક રેટ સાથે બોલિંગ કરી છે. એટલે કે શમીએ દરેક 10મા રન અને 11મા બોલ પર એક વિકેટ લીધી છે. આ શાનદાર પ્રદર્શન સાથે શમી ચોક્કસપણે આજે ODI World Cup 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી મોટી ચિંતાનો વિષય હશે.