ટીમ ઈન્ડિયાને ઝટકો! 145 કિ.મી. કલાકની ગતિએ બોલિંગ કરતો સ્ટાર બોલર સિડની ટેસ્ટમાંથી બહાર
IND vs AUS: ઓસ્ટ્રેલિયાની સિડની ટેસ્ટના એક દિવસ પહેલાં જ પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ના અંતિમ અને પાંચમા ટેસ્ટ મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવન ટીમમાં મિશેલ માર્શને સામેલ કર્યો નથી. માર્શના સ્થાને 31 વર્ષીય ઓલરાઉન્ડર બ્યૂ વેબસ્ટરને તક આપવામાં આવી છે. વેબસ્ટર ભારત વિરૂદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કરશે. જ્યારે ભારતે પણ પોતાની પ્લેઈંગ ઈલેવન ટીમમાં ઝડપી બોલર આકાશ દીપને સ્થાન આપ્યું નથી.
આકાશ દીપ ટીમમાંથી બહાર
ભારતની ટેસ્ટ પ્લેઈંગ ઈલેવન ટીમમાં ઝડપી બોલર આકાશ દીપને પીઠમાં ઈજા થતાં આરામ આપવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 3 જાન્યુઆરીથી શરૂ થનારી પાંચમી અને અંતિમ ટેસ્ટમાં આકાશ દીપ નહીં રમે, તે બ્રિસબેન અને મેલબર્ન ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનનો હિસ્સો હતો. તેણે પાંચ વિકેટ લીધી હતી. જો કે, છેલ્લી બે ટેસ્ટ મેચમાં તે કોઈ ખાસ પ્રદર્શન આપી શક્યો ન હતો. ઘણા કેચ છૂટ્યા હતા.
આમને મળી શકે છે સ્થાન
ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે સિડની ટેસ્ટ મેચ પહેલાં પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આકાશ દીપને પીઠની સમસ્યાના કારણે આરામ આપવામાં આવ્યો છે. પિચને જોયા બાદ પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરવામાં આવશે. આકાશ દીપના સ્થાને હર્ષિત રાણા તથા પ્રસિદ્ધ કૃષ્ણાને પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક મળી શકે છે. ભારત ઓસ્ટ્રેલિયા સામે 1-2 થી પાછળ છે. ભારતે આ ટ્રોફીમાં પોતાનું સ્થાન જાળવી રાખવા પાંચમી અને અંતિમ મેચ ગમે-તેવી કપરી પરિસ્થિતિમાં જીતવી પડશે.
ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન ટીમઃ સેમ કોન્સ્ટાસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, બ્યૂ વેબસ્ટર, એલેક્સ કેરી (વિકેટ કીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.