IND vs AUS: ગાબાનો ગઢ જીતવા રોહિત સેનાએ સુધારવી પડશે આ ત્રણ નબળાઈ, સ્ટાર પ્લેયર્સે જ વધારી ચિંતા
IND vs AUS : ભારતીય ક્રિકેટ ટીમને પર્થમાં જે જીત હતી, તેનાથી બધું સારું લાગી રહ્યું હતું. યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીની લોકો પ્રસંશા કરી રહ્યા હતા. ત્યારે અનુભવી અને યુવા ખેલાડીઓના કોમ્બીનેશનને ઉત્તમ માનવામાં આવ્યું હતું. પરંતુ એડિલેડમાં ટીમને મળેની હારથી બધું જ બદલાઈ ગયું. એડિલેડમાં જીત નોંધાવીને કાંગારૂઓએ ભારતીય ટીમને સંદેશ આપ્યો છે કે આ વખતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી એટલી સરળતાથી જીતી શકાશે નહીં. બીજી ટેસ્ટમાં મળેલી હારથી ભારતીય ટીમ સામે ઘણાં મોટા પ્રશ્નો ઉભા થયા છે. ત્યારે હવે ભારતીય ટીમે આગામી ટેસ્ટ માટે નીચે મુજબની પોતાની ત્રણ નબળાઈને સુધારવી પડશે.
બેટરોનું નિરાશાજનક પ્રદર્શન
ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી બે ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની બેટિંગ ચિંતાનો વિષય રહી છે. પર્થ ટેસ્ટની બીજી ઈનિંગમાં ભારતીય બેટરોનું પ્રદર્શન ચોક્કસપણે સારું રહ્યું હતું. જો કે, બાકીની ત્રણ ઇનિંગ્સમાં ભારતનું ટોપ બેટિંગ ઓર્ડર ખરાબ રીતે નિષ્ફળ રહ્યો છે. યશસ્વી જયસ્વાલની બેટિંગમાં સાતત્યનો અભાવ હતો. આ સાથે જ રાહુલ અને શુભમન ગિલ પણ એડિલેડમાં સારી શરૂઆતનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા હતા. વિરાટ કોહલી મેદાન પર ઓફ સ્ટમ્પની બહાર જતા બોલ સામે સંઘર્ષ કરતો જોવા મળ્યો છે.
રિષભ પંત અત્યાર સુધી આ પ્રવાસમાં પોતાની છાપ છોડી શક્યો નથી. ટીમમાં પરત ફર્યા બાદ છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવેલો રોહિત શર્મા પણ બંને ઇનિંગ્સમાં સસ્તામાં પેવેલિયન પરત ફર્યો હતો. જો ભારતીય બેટરોનો ફ્લોપ શો આમ જ ચાલતો રહ્યો તો ઓસ્ટ્રેલિયામાં જીતની હેટ્રિક ફટકારવાનું સપનું અધૂરું રહી શકે છે.
ભારતીય બોલરો કાંગારુંઓને હંફાવામાં નિષ્ફળ
સીરિઝની પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ વિકેટ ઝડપવા અને ઓસ્ટ્રેલીયન બેટરોને દબાણમાં રાખવાનું કામ જસપ્રીત બુમરાહે કર્યું હતું. બુમરાહે પહેલી ટેસ્ટમાં 8 વિકેટ લીધી હતી. અને બીજી ટેસ્ટમાં 4 વિકેટ ઝડપી હતી. ભારતની બોલિંગને જોતા લાગી રહ્યું હતું કે બુમરાહ એકલો જ આ લડાઈ રહ્યો હતો. હર્ષિત રાણા કે આર અશ્વિન બંનેમાંથી એક પણ બોલર કઈ ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા. સિરાજે ભારત માટે 4 વિકેટો લીધી પણ તે કાંગારુંને દબાણમાં રાખવા માટે નિષ્ફળ રહ્યો હતો. બીજી ટેસ્ટમાં કાંગારું બેટરોની ભાગીદારી તોડવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
સ્ટાર ખેલાડીઓએ પ્રદર્શન સુધારવું પડશે
વિરાટ કોહલી, રોહિત શર્મા, રિષભ પંત અને આર અશ્વિન આ ખેલાડીઓ પર ભારતને ખુબ આશા હતી. પરંતુ બંને ટેસ્ટ મેચમાં આ તમામ ખેલાડીઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ભારતે હવે પોતાના ટોપ ઓર્ડર અને બોલિંગ લાઈન અપ વિશે ફરીથી કોઈ વ્યુહનીતિ બનાવી પડશે.