IND vs AUS : આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચમી T20 રમાશે, સુંદર-તિલકની થઈ શકે છે એન્ટ્રી, જાણો કોણ થશે બહાર
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચોની T20I સિરીઝ 3-1થી જીતી ચુકી છે
Image:Twitter |
IND vs AUS 5th T20I : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની પાંચમી અને અંતિમ T20I મેચ બેંગલુરુંમાં આજે સાંજે 7:00 વાગ્યાથી શરુ થશે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચોની T20I સિરીઝ 3-1થી જીતી ચુકી છે. પરંતુ આજે ભારતીય ટીમની નજર અંતિમ મેચ જીતીને ઓસ્ટ્રેલિયાને 4-1ના અંતરથી હરાવવા પર રહેશે. જો ભારત આજે આ સિરીઝ 4-1થી જીતી લે છે તો ઓસ્ટ્રેલિયા સામે T20Iમાં સૌથી મોટા અંતરથી સિરીઝમાં જીત હશે.
વોશિંગ્ટન સુંદરને પ્લેઇંગ ઈલેવનમાં તક મળી શકે
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ રમ્યા બાદ સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાની છે. આજની અંતિમ મેચમાં ભારતીય ટીમ તેના બાકી રહેલા ખેલાડીઓને અજમાવવા ઈચ્છશે અને વોશિંગ્ટન સુંદરને પ્લેઇંગ ઈલેવનમાં તક મળી શકે છે. સાઉથ આફ્રિકા પ્રવાસને ધ્યાનમાં રાખીને શ્રેયસ અય્યર અને દીપક ચહર આ મેચમાં પોતાના પ્રદર્શનથી છાપ છોડવા માંગશે. ઓસ્ટ્રેલિયા સામે રાયપુરમાં અય્યરે એક વર્ષથી પણ વધુ સમયમાં પ્રથમ T20I મેચ રમી હતી. આ મેચમાં તે 8 રન બનાવીને આઉટ થયો હતો. જેથી સાઉથ આફ્રિકા જવા પહેલા તે આજની મેચમાં એક મોટી ઇનિંગ રમવાનો પ્રયાસ કરશે.
ટીમની કમાન શ્રેયસ અય્યરને સોંપવામાં આવી શકે
અય્યરની જેમ જ દીપક ચહરે પણ ઈજાગ્રસ્ત હોવાના કારણે લાંબા સમય સુધી ટીમમાંથી બહાર રહ્યા બાદ વાપસી કરી હતી. રાયપુરમાં રમાયેલી મેચ પહેલા ચહર ગયા વર્ષે ઓક્ટોબરમાં ભારત તરફથી છેલ્લી મેચ રમી હતી. રાયપુરમાં રમાયેલી મેચમાં ચહરે 4 ઓવરમાં 44 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમ મેનેજમેન્ટ સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા સ્પિનર વોશિંગ્ટન સુંદરને પણ તક આપી શકે છે. તેને અક્ષર પટેલ કે રવિ બિશ્નોઈની જગ્યાએ પ્લેઇંગ ઈલેવનમાં મોકો મળી શકે છે. એવું પણ બની શકે છે કે કેપ્ટન સૂર્યકુમાર યાદવને આરામ આપી ટીમની કમાન શ્રેયસ અય્યરને સોંપવામાં આવી શકે છે અને સૂર્યાની જગ્યાએ તિલક વર્માને મોકો આપવામાં આવી શકે છે.
ભારતીય યુવા ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન
ભારત તરફથી બેટિંગમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ, ઋતુરાજ ગાયકવાડ, રિંકુ સિંહ, યશસ્વી જયસ્વાલ અને ઇશાન કિશને ખુબ શરુ પ્રદર્શન કર્યું છે. રાયપુરમાં રમાયેલી મેચમાં કિશનના સ્થાને જિતેશ શર્માએ પણ પોતાની બેટિંગથી પ્રભાવિત કર્યા હતા. જયારે રિંકુ સિંહે મેચ ફીનિશરના રોલને ખુબ સરસ રીતે ભજવ્યો છે. બોલિંગમાં બિશ્નોઈએ અત્યાર સુધી 7 વિકેટ લઈને દર્શકોને પ્રભાવિત કર્યા છે.
ઓસ્ટ્રેલિયાએ અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું નથી
ઓસ્ટ્રેલિયાની ટીમે અત્યાર સુધી અપેક્ષિત પ્રદર્શન કર્યું નથી. મેથ્યુ વેડના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયન ટીમ અંતિમ મેચ જીતીને સ્વદેશ પરત ફરવા માંગશે. ટ્રેવિસ હેડે ટીમને એક જબરદસ્ત શરૂઆત આપી છે પરંતુ તે મોટી ઇનિંગ રમવામાં સફળ રહ્યો નથી. આવી સ્થિતિમાં આજે તેની પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા હશે. બીજી તરફ ટિમ ડેવિડ હાલ ખરાબ ફોર્મથી પસાર થઇ રહ્યો છે. પરંતુ આજે ટીમને તેની પાસેથી વધારે અપેક્ષા રહેશે.
બંને ટીમોની સંભવિત પ્લેઉંગ ઈલેવન
ભારત
સૂર્યકુમાર યાદવ (C), યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર/તિલક વર્મા, જીતેશ શર્મા (wkt), રિંકુ સિંહ, અક્ષર પટેલ/વોશિંગ્ટન સુંદર, દીપક ચહર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, મુકેશ કુમાર
ઓસ્ટ્રેલિયા
મેથ્યુ વેડ (C/wkt), જોશ ફિલિપ, ટ્રેવિસ હેડ, બેન મેકડરમોટ, એરોન હાર્ડી, ટિમ ડેવિડ, મેથ્યુ શોર્ટ, બેન ડ્વારશુઈસ, ક્રિસ ગ્રીન, જેસન બેહરનડોર્ફ, તનવીર સંઘા/નેથન એલિસ/કેન રિચાર્ડસન