IND vs AUS : ભારતનો ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી વિજય... DLS મુજબ ટીમ ઈન્ડિયાની 99 રને જીત
ભારતનો સ્કોર - 50 ઓવરમાં 399/5, શુભમન ગીલ 104, શ્રેયસ ઐય્યર 105, રાહુલ 52, સૂર્યા 72 રન, અશ્વિન-જાડેજાની 3-3 વિકેટ
ઓસ્ટ્રેલિયાનો સ્કોર - 28.2 ઓવરમાં 217 રને ઓલઆઉટ, ડેવિડ વોર્નર 53 રન, શેન એબોટ 54 રન, કેમરોન ગ્રીનની 3 વિકેટ
Image - espncricinfo |
ઈન્દોર, તા.24 સપ્ટેમ્બર-2023, રવિવાર
ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વન-ડે સિરીઝની મેચની બીજી વન-ડેમાં ભારતનો 99 રને (ડિએલએસ નિયમ મુજબ) વિજય થયો છે. આ સાથે ભારતે સિરિઝ પણ જીતી લીધી છે. આજની મેચમાં ભારતે નિર્ધારીત 50 ઓવરમાં 5 વિકેટે 399 રન ફટકારી ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. જ્યારે મેચમાં વરસાદ પડવાના કારણે ડીએલએસ પદ્ધતિ મુજબ 17 ઓવરનો કાપ મુકાયા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમને 33 ઓવરમાં 317 રનના ટાર્ગેટ મળ્યો હતો, જોકે કાંગારુ ટીમ 28.2 ઓવરમાં 217 રને ઓલઆઉટ થઈ જતા ભારતનો 99 રને વિજય થયો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજની બીજી વન-ડે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ હતી.
ગીલ-ઐય્યર-રાહુલ-સૂર્યાની ધમાકેદાર બેટીંગ
આજે શુભમન ગીલ, શ્રેયસ ઐય્યર, કે.એલ.રાહુલ અને સૂર્યકુમાર યાદવની ધમાકેદાર બેટીંગના કારણે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે મોટો સ્કોર ઉભો કરવામાં સફળ થઈ હતી, ઉપરાંત આજની મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે ‘હાઈએસ્ટ સ્કોર’ પણ નોંધાવ્યો હતો. આજે શુભમન ગીલે 97 બોલમાં 4 સિક્સ અને 6 ફોર સાથે 104 રન, શ્રેયસ ઐય્યરે 90 બોલમાં 3 સિક્સ અને 11 ફોર સાથે 105 રન, કે.એલ.રાહુલે 38 બોલમાં 3 ફોર અને 3 સિક્સ સાથે 52 રન તેમજ સૂર્યકુમાર યાદવે 37 બોલમાં 6 ફોર અને 6 સિક્સ સાથે 72 રન ફટકાર્યા છે. આ ચારેય ધુરંધર બેટ્સમેનોના કારણે ભારત ઓસ્ટ્રેલિયા સામે મોટો સ્કોર બનાવામાં સફળ તો થયું છે, ઉપરાંત ઓસ્ટ્રેલિયાના હાઈએસ્ટ સ્કોરનો રેકોર્ડ પણ તોડી દીધો છે.
અશ્વિન અને જાડેજાએ કર્યો કમાલ
ભારતીય વિકેટ કીપરની વાત કરીએ તો આર.અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની ધારદાર બોલીગ સામે ઓસ્ટ્રેલિયા ટકી શક્યું હતું અશ્વિન અને જાડેજાએ 3-3 વિકેટ મેળવી હતી, જ્યારે પ્રસિદ્ધ ક્રિષ્નાએ 2 અને મોહમદ શામીએ 1 વિકેટ ખેરવી હતી.
ઓસ્ટ્રેલિયાનો સ્કોર
ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ સ્કોર એક માત્ર શેન એબોટના 36 બોલમાં 5 સિક્સ અને 4 ફોર સાથે 54 રન જ્યારે ડેવિડ વોર્નરના 39 બોલમાં 1 સિક્સ અને 7 ફોર સાથે 53 રન ફટકાર્યા હતા, જ્યારે કેમરોન ગ્રીને 2 વિકેટ તેમજ જોશ હેઝલવુડ, સેને એબોટ અને એડમ ઝામ્બાએ 1-1 વિકેટ ખેરવી હતી.
ભારતે ઓસ્ટ્રેલિયા સામે નોંધાવ્યો રેકોર્ડ
વર્ષ 2020માં સિડનીના મેદાનમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ભારત સામે 50 ઓવરમાં 4 વિકેટે હાઈએસ્ટ 389 રન નોંધાવ્યા હતા. આ મેચમાં ડેવિડ વોર્નરે 83 રન, એરોન ફિંચે 60 રન, સ્ટીવ સ્મિથે 104 રન,માર્નસ લેબુશેને 70 રન જ્યારે ગ્લેન મેક્સવેલે 63 રન ફટકાર્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 50 ઓવરમાં 9 વિકેટે 338 રન કરતા ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો. ત્યારે આજે ભારતીય ટીમે 50 ઓવરમાં 399 રન ફટકારી ઓસ્ટ્રેલિયા સામે હાઈએસ્ટ સ્કોરનો રેકોર્ડ નોંધાવ્યો છે.
બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.