Get The App

વર્લ્ડકપમાં યજમાન ટીમને ભારે પડી ગઈ આ ઘટના, વર્લ્ડકપથી બહાર ફેંકાતા ખેલાડીઓ હતાશ

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
West Indies Out From World Cup


T20 World Cup 2024, West Indies Out From World Cup: T20 વર્લ્ડકપ 2024 ધીરે-ધીરે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે, તેમ ઘણી ટીમોની આ વર્લ્ડકપની સફર પૂરી થઇ રહી છે. ત્યારે દક્ષિણ આફ્રિકાએ યજમાન વેસ્ટ ઈન્ડિઝ ટીમને હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહારનો રસ્તો બતાવી દીધો છે. તેની સાથે જ વેસ્ટ ઈન્ડિઝની વર્લ્ડકપમાં સફર પૂર્ણ થઇ ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝ બહાર થવાથી ગ્રૂપ-2માંથી હવે દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ સેમિ ફાઈનલમાં પહોંચી ગયા છે. જ્યારે આ ગ્રૂપની ચોથી ટીમ અમેરિકા પહેલેથી જ સેમિ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝને સેમિ ફાઈનલમાં પહોંચવા માટે દક્ષિણ આફ્રિકાને હરાવવું જરૂર હતું. પરંતુ સેમિ ફાઈનલમાં પહોંચવાની તેની આશા ઉપર દક્ષિણ આફ્રિકાએ પાણી ફેરવી નાખ્યું હતું. ચાલો સમજીએ કે યજમાન ટીમ દક્ષિણ આફ્રિકા સામે કેવી રીતે હારી ગઈ. શું વેસ્ટ ઈન્ડિઝની હારનું કારણ વરસાદ હતો?

સતત વિકેટો ગુમાવી

વેસ્ટ ઈન્ડિઝની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 135 રન કર્યા હતા. આ મેચ એન્ટીગુઆના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડીયમમાં રમાયો હતો. અહીંની પિચ બેટરને વધારે મદદગાર હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમ સતત વિકેટ ગુમાવતી ગઈ અને તેની અસર ટીમના ફાઈનલ સ્કોર પર પડી હતી. ખેલાડીઓ વચ્ચે કોઈ ખાસ ભાગીદારી થઇ ન હતી. ફક્ત માયર અને રોસ્ટને મોટી ભાગીદારી કરીને 65 બોલમાં 81 રન કર્યા હતા. 100 રન બનાવ્યા પહેલા જ વેસ્ટ ઈન્ડિઝની અડધીથી વધુ વિકેટો પડી ગઈ હતી.

શાઈ-પુરાને નિરાશ કર્યા

વેસ્ટ ઈન્ડિઝ માટે વિસ્ફોટક ઈનિંગ્સ રમનારા નિકોલસ પૂરન અને શાઈ હોપે પોતાના પ્રદર્શનથી ટીમને નિરાશ કર્યા હતા. અગાઉની મેચમાં છગ્ગાનો વરસાદ કરનાર શાઈ હોપ ત્રીજા બોલ પર જ આઉટ થઇ ગયો હતો. ત્યારબાદ ટીમને આગળની ઓવરમાં બીજો ઝટકો મળ્યો હતો. નિકોલસ પૂરન બીજી ઓવરના પહેલા જ બોલ પર આઉટ થઇ ગયો. વેસ્ટ ઈન્ડિઝે 5 રનના કુલ સ્કોર પર આ બે શાનદાર ખેલાડીઓની વિકેટ ગુમાવતા ટીમ સારો સ્કોર કરવામાં નિષ્ફળ રહી હતી.

વરસાદ વિધ્નરૂપ બન્યો

એવું માનવામાં આવતું હતું કે વેસ્ટ ઈન્ડિઝ ટીમના બોલરો હોમ ગ્રાઉન્ડ પર આ ટોટલનો બચાવ કરી લેશે. બોલરો સારું પ્રદર્શન કરતા 2 ઓવરમાં દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ રીઝા હેન્ડ્રીક્સ અને ક્વિન્ટન ડી કોકની વિકેટ ઝડપી હતી. ત્યરબાદ વરસાદે વેસ્ટ ઈન્ડિઝની ટીમ માટે વિધ્ન બની આવ્યો. વરસાદને કારણે ઓવરની સંખ્યા ઓછી કરાઈ અને બોલરોને પિચથી મદદ મળતી બંધ થઈ ગઈ હતી. બોલ ટર્ન ન થવાના કારણે દક્ષિણ આફ્રિકાના બેટરો સરળતાથી બોલને રમી રહ્યા હતા. જો કે બોલરોએ હાર ન માનતા સતત વિકેટો લેતા રહ્યા. પરંતુ દક્ષિણ આફ્રિકાના બેટરોએ નાની-નાની ભાગીદારી કરીને મેચ જીતી લીધી હતી.


Google NewsGoogle News