ફુલ ટોસ બોલ પર કોહલીના ડાંડિયા ઊડી ગયા, જ્યાં રચ્યો હતો ઈતિહાસ ત્યાં જ ફરી ફ્લોપ
IND Vs NZ, Virat Kohli : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ પૂણેના MCA સ્ટેડીયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે પહેલી ઇનિંગમાં 259 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીને નિરાશાજનક પ્રદર્શન કરતા ટીમ 156 રન કરી ઓલઆઉટ થઇ ગઈ હતી. ભારતીય ટીમની સૌથી મોટી આશા સ્ટાર બેટર અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પર હતી. પરંતુ તેણે પણ નિરાશ કર્યા હતા.
વિરાટ કોહલી 9 બોલનો સામનો કરી માત્ર એક રન બનાવી આઉટ થઇ ગયો હતો. ઇનિંગની 24મી ઓવરમાં કિંગ કોહલીને લેફ્ટ આર્મ સ્પિનર મિચેલ સેન્ટનરે બોલ્ડ કર્યો હતો. કોહલીએ લો ફુલ ટોસ બોલ રમવા ગયો અને બોલ તેના બેટથી છટકી ગયો અને સ્ટમ્પ સાથે અથડાયો હતો. કોહલી ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ રીતે આઉટ થઇ ગયો હતો. ખુદ કોહલીએ પણ કલ્પના નહીં કરી હોય કે તે આ રીતે આઉટ થશે. કોહલી થોડી સેકન્ડો માટે પીચ પર ઊભો રહ્યો અને પછી પેવેલિયન તરફ ચાલ્યો ગયો હતો.
ક્રિકેટ કૉમેન્ટેટર સંજય માંજરેકરે વિરાટ કોહલીના આ આઉટ થવા પર કહ્યું હતું કે, 'હે ભગવાન! વિરાટને ખબર જ હશે કે તેણે પોતાની કારકિર્દીનો સૌથી ખરાબ શોટ રમ્યો હતો, અને આઉટ તહી ગયો. તેના માટે આ દુખની વાત છે કારણ કે, તે હંમેશા નક્કર અને ઉમદા ઇરાદા સાથે રમે છે.'
Oh dear! Virat will know himself that he has just played the worst shot of his career to get out. Got to feel for him…coz as always he came out with solid & honest intent.
— Sanjay Manjrekar (@sanjaymanjrekar) October 25, 2024
જો આપણે વિરાટ કોહલીના રેકોર્ડ નજર કરીએ તો 2021થી એશિયન ટેસ્ટ મેચોમાં સ્પિન બોલરો સામે તે કંઈ ખાસ રહ્યો નથી. વર્ષ 2021-24 દરમિયાન કોહલી ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી 21 વખત સ્પિન બોલરોનો શિકાર બન્યો છે. આ સમયગાળા દરમિયાન તે 10 વખત ડાબા હાથના સ્પિનર દ્વારા બોલ્ડ થયો હતો.
પુણેના MCA સ્ટેડિયમમાં વિરાટ કોહલીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. પરંતુ આ વખતે તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. કોહલીએ આ મેદાન પર ત્રણેય ફોર્મેટ સહિત કુલ 13 મેચ રમી છે. જેમાં તેણે 72.16ની સરેરાશથી 866 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 4 સદી ફટકારી હતી. કોહલીએ પૂણેમાં કુલ 3 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 89.33ની સરેરાશથી 268 રન બનાવ્યા છે.
વિરાટ કોહલીનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ સ્કોર અણનમ 254 રન રહ્યો છે. જે તેણે વર્ષ 2019માં દક્ષિણ આફ્રિકા સામે આ જ મેદાન પર બનાવ્યો હતો. આ મેદાન પર કોઈપણ બેટરનો આ સર્વશ્રેષ્ઠ સ્કોર છે. કોહલીએ પૂણેમાં 8 વનડે અને 2 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. વનડેમાં તેણે 78.71ની સરેરાશથી 551 રન બનાવ્યા હતા. જેમાં 3 સદી સામેલ છે. જ્યારે T20Iમાં તેણે 47 રન આવ્યા હતા.
2021થી એશિયામાં સ્પિન બોલરો સામે કોહલીનો રેકોર્ડ
26 ઇનિંગ્સ
606 રન
21 આઉટ
સરેરાશ 28.85
સ્ટ્રાઈક રેટ 49.67