પેરિસ ઓલિમ્પિક: હોકીમાં બ્રિટનને હરાવી ભારતની સેમિ ફાઇનલમાં એન્ટ્રી, શૂટઆઉટ 'હીરો' શ્રીજેશ
Paris Olympics 2024, Hockey Match, India Vs Britain: પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતીય હોકી ટીમે ઈતિહાસ રચી દીધો છે. ભારતે આજે રમાયેલી શૂટઆઉટ મેચમાં ગ્રેટ બ્રિટનને 4-2થી હરાવીને સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતીય ટીમની જીતનો હીરો પીઆર શ્રીજેશ રહ્યો હતો. કે જેણે શૂટઆઉટમાં બે શાનદાર ગોલ થતા બચાવ્યા હતા.
શૂટઆઉટમાં પહેલા પ્રયાસ બ્રિટને કર્યો હતો. જે સફળ રહ્યો હતો. બ્રિટનનો બીજો પ્રયાસ પણ સફળ રહ્યો હતો. ત્યારબાદ સુખજીતે ગોલ કરીને ભારતને 2-2ની બરાબરી પર લાવી દીધું હતું. બ્રિટનના બાકીના બે પ્રયાસો નિરર્થક ગયા હતા. જ્યારે ભારતે આગામી બે પ્રયાસોને સફળ બનાવ્યા હતા. અને અંતે ભારતે 4-2થી આ મેચ પોતાના નામે કરી હતી.
શૂટઆઉટમાં વિજય બાદ ગોલકીપરનું ભાવુક નિવેદન
આજે હોકીમાં ક્વાર્ટર ફાઈનલ મેચમાં વિજેતા બાદ ભારતીય ટીમના ગોલકીપર શ્રીજેશે કહ્યું, 'મેં મારી જાતને કહ્યું કે આ મારી છેલ્લી મેચ હોઈ શકે છે. અથવા જો હું (ગોલ) બચાવીશ તો મને વધુ 2 મેચ રમવા મળશે. હું આ મેચ જીતીને ખૂબ જ ખુશ છું.' નોંધનીય છેકે ભારતે શૂટઆઉટમાં 4-2થી મેચ જીતી લીધી હતી. શ્રીજેશની આ છેલ્લી ઓલિમ્પિક છે. તે પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી ચૂક્યો છે.
ભારતીય ટીમ માત્ર 10 ખેલાડીઓ સાથે રમી હતી
આજે મહત્ત્વપૂર્ણ મેચમાં ભારતીય ટીમને બીજા ક્વાર્ટરમાં જ મોટો ઝટકો લાગ્યો હતો. અમિત રોહિદાસને રેડ કાર્ડ આપવામાં આવ્યું હતું, જેના કારણે તે આખી મેચમાંથી બહાર થઈ ગયો હતો. આવી સ્થિતિમાં ભારતીય હોકી ટીમે આખી મેચ માત્ર 10 ખેલાડીઓ સાથે રમવી પડી હતી. પરંતુ આ પછી પણ ભારતીય હોકી ટીમે જોરદાર દેખાવ કરીને મેચમાં વિજેતા બની હતી.