IND vs NZ : રન ભલે ઓછા થયા, પણ ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસનો આ ખાસ રેકૉર્ડ પણ બનાવ્યો
IND vs NZ : બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમે એવું કર્યું હતું કે જે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ ટીમ નથી કરી શકી. ત્રીજા દિવસે ન્યુઝીલેન્ડે પહેલી ઇનિંગમાં 402 રનનો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે બીજી ઈનિંગમાં ભારતીય ટીમને સારી શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે પહેલી વિકેટ માટે 72 રનની ભાગીદારી થઈ હતી. ભારતને પહેલો ફટકો જયસ્વાલના રૂપમાં લાગ્યો હતો. કે જે 35 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. આ પછી કેપ્ટન રોહિત શર્મા અડધી સદી રમીને આઉટ થયો હતો. દિવસના ત્રીજા સેશનમાં ભારતે એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો.
147 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારત એક કેલેન્ડર વર્ષમાં 100 છગ્ગા મારનાર પહેલી ટીમ બની ગઈ છે. ભારત પહેલા કોઈ ટીમ આવું કરી શકી ન હતી. અત્યાર સુધીમાં આ વર્ષે ભારતે દક્ષિણ આફ્રિકા સામે 2, ઈંગ્લેન્ડ સામે 5 અને બાંગ્લાદેશ સામે 2 સીરિઝ રમી ચૂકી છે. હાલમાં ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે 3 ટેસ્ટ મેચની સીરીઝ રમી રહી છે. આવી સ્થિતિમાં ભારત પાસે આ આંકડો વધારવાની મોટી તક છે.
આ કેલેન્ડર વર્ષમાં વિરાટ કોહલીએ ભારત માટે 100મો છગ્ગો ફટકારી દીધો છે. આ મેચમાં વિરાટે એજાઝ પટેલની 30મી ઓવરના પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. આ પહેલા ટેસ્ટમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ છગ્ગા મારવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે હતો. જેણે વર્ષ 2022માં 89 છગ્ગા માર્યા હતા. ભારતે આ રેકોર્ડ બાંગ્લાદેશ સામેની સીરિઝ દરમિયાન બનાવ્યો હતો. ભારતીય ટીમ આ યાદીમાં ત્રીજા સ્થાને છે. જેણે વર્ષ 2021માં 87 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે ન્યૂઝીલેન્ડે વર્ષ 2014માં 81 છગ્ગા ફટકારીને ચોથા સ્થાને રહ્યું હતું. ન્યૂઝીલેન્ડ પણ આ યાદીમાં પાંચમા સ્થાને છે જેણે વર્ષ 2013માં 71 છગ્ગા ફટકાર્યા હતા.
તમામ ફોર્મેટમાં ભારતે આ વર્ષે 300 છગ્ગા પણ પૂરા કર્યા છે. ભારતે સતત ત્રીજા વર્ષે આ સિદ્ધિ હાંસલ કરી છે. જ્યારે તેણે એક કેલેન્ડર વર્ષમાં 300 આંતરરાષ્ટ્રીય છગ્ગા માર્યા છે. ભારત માટે, યશસ્વી જયસ્વાલ આ વર્ષે સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડીઓની યાદીમાં પહેલા સ્થાને છે. તેણે આ વર્ષે ટેસ્ટ મેચમાં 29 છગ્ગા ફટકાર્યા હતા. શુભમન ગિલ અને કેપ્ટન રોહિત 16 અને 11 છગ્ગા સાથે આ યાદીમાં બીજા અને ત્રીજા સ્થાને છે.