માત્ર હાર-જીતથી સારો કેપ્ટન નથી બનતો...: રોહિત શર્માના સમર્થનમાં ઉતાર્યો ટીમ ઈન્ડિયાનો ગબ્બર
Shikhar Dhawan Support Of Rohit Sharma : ન્યૂઝીલેન્ડ સામે પૂણે ટેસ્ટમાં ભારતીય ટીમને 113 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારને કારણે ભારતે ટેસ્ટ સીરિઝ પણ ગુમાવી દીધી છે. સીરિઝ હાર્યા બાદ હવે રોહિત શર્માની કેપ્ટનશીપ પર સવાલો ઉઠી રહ્યા છે. રોહિતના ફોર્મ પર પણ પ્રશ્નાર્થ લાગી ગયું છે. તે 8 ટેસ્ટ ઇનિંગ્સમાં માત્ર બે વખત ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યો હતો.
કોઈ પણ સારો કેપ્ટન ફક્ત હાર કે જીતના આધારે નથી બનતો
હવે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવન રોહિતના સમર્થનમાં ઉતર્યો છે. ધવનનું માનવું છે કે કોઈ પણ સારો કેપ્ટન ફક્ત હાર કે જીતના આધારે નથી બનતો. ગબ્બર તરીકે જાણીતા શિખર ધવને કહ્યું કે માત્ર એક સીરિઝ હાર્યા બાદ રોહિત પર સવાલ ઉઠાવવા યોગ્ય નથી.
અમે જીત કે હાર પર ધ્યાન આપતા નથી
એક ઈન્ટરવ્યૂમાં ધવને કહ્યું હતું કે, 'રમત દરમિયાન અમારા પર ઘણું દબાણ હોય છે. પરંતુ અમે જીત કે હાર પર ધ્યાન આપતા નથી. એ તો રમતનો એક ભાગ છે. એક ક્રિકેટર તરીકે અમે આવું વિચારતા નથી. રોહિત એક શાનદાર કેપ્ટન છે. આ ફક્ત જીત કે હારની વાત નથી. ટીમનો પોતાના કેપ્ટન સાથે એક બોન્ડ હોય છે. અને ટીમના સભ્યો તેનું ઘણું સન્માન કરે છે.'
આ પણ વાંચો : WTC ફાઈનલની રેસ રસપ્રદ બની, પાકિસ્તાન પણ રેસમાં જાણો બધી ટીમોના સમીકરણ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટની સીરિઝની છેલ્લી અને ત્રીજી મેચ 1 નવેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં રમાશે.