ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ શ્વાનનું ટેટૂ બતાવી ધ્રુસકે ધ્રુસકે રડી પડી ખેલાડી, દ્રશ્ય જોઈ લોકો પણ થયા ભાવુક
|
Paris Olympics 2024, Dutch Swimmer Sharon Van Rouwendaal: પેરિસ ઓલિમ્પિકસ 2024માં નેધરલેન્ડની સ્વિમર શેરોન વેન રુવેન્ડાલે શાનદાર પ્રદર્શન કરતા તેણે 10 કિલોમીટર મેરેથોન સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. મેડલ જીત્યા બાદ રુવેન્ડાલે મેડલ તેના શ્વાન રિયોને સમર્પિત કર્યો હતો. હવે ગોલ્ડ મેડલ જીત્યા બાદ નેધરલેન્ડની સ્વિમર રુવેન્ડાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે.
મેડલ જીત્યા બાદ સૌથી પહેલા ટેટૂને કિસ કરી
10 કિલોમીટર મેરેથોન સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ રુવેન્ડાલ ખૂબ જ ભાવુક દેખાઈ રહી હતી. તેણે આ મેડલ તેના શ્વાનને સમર્પિત કર્યો હતો. રુવેન્ડાલના શ્વાનનું નામ રિયો હતું, જેનું પેરિસ ઓલિમ્પિકસના થોડા મહિના પહેલા જ મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ રુવેન્ડાલ ભાંગી ગઈ હતી. પરંતુ તેના પિતાએ તેને પેરિસ ઓલિમ્પિકસમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી હતી. હવે રુવેન્ડાલના હાથ પરનું રિયોનું ટેટૂ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યું છે. કારણ કે મેડલ જીત્યા બાદ સૌથી પહેલા તેણે ટેટૂને કિસ કરી હતી.
રિયો માટે જીત હાંસલ કરી
વર્ષ 2016માં બ્રાઝિલના રિયો શહેરમાં આયોજિત ઓલિમ્પિકસમાં પણ શેરોન વાન રુવેન્ડાલે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેની પાસે પોમેરેનિયન જાતિનો કૂતરો હતો. જેની આ વર્ષે મે મહિનામાં ફેફસાની સર્જરી થયા બાદ મૃત્યુ થયું હતું. પેરિસમાં ગોલ્ડ જીત્યા બાદ રુવેન્ડાલે મીડિયાને કહ્યું હતું કે, 'મે રિયોના અંતિમ સંસ્કારના ત્રણ દિવસ બાદ તેનું ટેટૂ કરાવ્યું હતું, અને મારા પિતાના પ્રોત્સાહન પછી મેં નક્કી કર્યું કે હું પૂરા દિલથી તેના માટે સ્વિમિંગ કરીશ. અને એવું જ કરીને મે તેના માટે જીત મેળવી છે'
વીડિયો જોઈને લોકો ભાવુક થઈ ગયા હતા
રુવેન્ડાલના વાઈરલ થયેલા વીડિયોને લઈને લોકો સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'મને ખુશી છે કે રુવેન્ડાલે રિયો માટે ઓલિમ્પિકસમાં ભાગ લીધો અને જીત પણ મેળવી.' બીજા યુઝરે લખ્યું, 'પોતાના પાલતું શ્વાનને ગુમાવવું એ જીવનનું સૌથી મોટું દુખ છે, હું પણ દરરોજ તેના વિશે વિચારું છું.'