25 વર્ષ પછી ક્રિકેટના ઇતિહાસમાં જોવા મળી આવી મેચ, અગાઉ બે વખત બની હતી આવી ઘટના
IND Vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે સિરીઝની પહેલી મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં બન્ને ટીમનો સ્કોર એકસરખો રહેતાં મેચ ટાઇ થઈ હતી. રોહિત શર્માની કૅપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ લક્ષ્યથી માત્ર 1 રન જ દૂર રહી હતી. આ મેચ ક્રિકેટના એક ખાસ રૅકોર્ડમાં નોંધાઈ ગઈ છે. આ મેચમાં ચાહકોને કંઈક એવું જોવા મળ્યું કે જે વનડે ક્રિકેટના ઇતિહાસમાં અત્યાર સુધીમાં માત્ર બે વાર જોવા મળ્યું હતું.
25 વર્ષ બાદ આવું બન્યું
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી આ વનડે મેચ આ વર્ષની પહેલી વનડે મેચ હતી કે જે ટાઇ થઈ હતી. આ મેચ ભારતીય ટીમના હાથમાં જ હતી પરંતુ શ્રીલંકાએ 2 બોલમાં સતત 2 વિકેટ લઈને ભારતીય ટીમને ઓલઆઉટ કરી દીધી હતી. જેના કારણે મેચ બરાબરીના સ્કોર પર પૂરી થઈ હતી. વનડે ક્રિકેટના ઇતિહાસમાં આ માત્ર ત્રીજી વખત બન્યું છે કે, જ્યારે સતત બે બોલ પર બે વિકેટ પડવાથી મેચ ટાઇમાં પરિણમી હોય. અગાઉ વર્ષ 1999માં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની મેચ પણ આ રીતે જ ટાઇ થઈ હતી. સૌથી પહેલીવાર વર્ષ 1996માં ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની મેચમાં આવું બન્યું હતું. જો કે અહીં આશ્ચર્યની વાત એ છે કે આ ત્રણેય મેચમાં શ્રીલંકાની ટીમ મેચનો ભાગ રહી છે.
શ્રીલંકા સામે બીજી વખત મેચ ટાઇ રહી
વનડે ક્રિકેટના ઇતિહાસમાં ભારતીય ટીમે 10મી વખત ટાઇ મેચ રમી હતી. છેલ્લાં 6 વર્ષમાં આવું પહેલીવાર બન્યું હતું. અગાઉ વર્ષ 2018માં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની મેચ ટાઇ રહી હતી. ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં પહેલી ટાઇ મેચ વર્ષ 1991માં થઈ હતી. ત્યાર પણ સામેની ટીમ વેસ્ટ ઇન્ડીઝ જ હતી. ભારત અને શ્રીલંકા વચ્ચે આ બીજી વખત વનડે મેચ ટાઇ થઈ છે. અગાઉ વર્ષ 2012માં ભારત અને શ્રીલંકા વચ્ચે ટાઇ થયેલ વનડે મેચ રમાઈ હતી. તે મેચમાં શ્રીલંકાએ પહેલી બેટિંગ કરતા 9 વિકેટ ગુમાવીને 236 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમ 9 વિકેટના નુકસાન પર 236 રન જ બનાવી શકી હતી.
શ્રીલંકાએ ટોસ જીતીને પહેલી બેટિંગ કરતાં 50 ઓવરમાં 8 વિકેટે 230 રન બનાવ્યા હતા. જેની સામે ભારતીય ટીમ 47.5 ઓવરમાં 230 રન પર સમેટાઇ ગઈ હતી. આ મેચના અંતમાં ટીમને 15 બોલમાં 1 રનની જરૂર હતી, અને હજી બે વિકેટ બાકી હતી. પરંતુ ભારતીય ટીમે સતત બે બોલમાં બે વિકેટ ગુમાવી દીધી, જેના કારણે મેચ ટાઇ થઈ હતી.