મસ્ક અને જે.કે. રોલિંગ સામે માનહાનિનો દાવો, પુરુષ હોવાના આક્ષેપોનો સામનો કરતી ઈમાન ખેલિફની કાર્યવાહી
Iman Khalifa Filed A Defamation Case: તાજેતરમાં સમાપ્ત થયેલી પેરિસ ઓલિમ્પિક એકથી વધુ વિવાદોમાં ઘેરાયેલી રહી, પણ એમાં સૌથી વધુ ચર્ચાયેલો મુદ્દો રહ્યો એક મહિલા બોક્સરના પુરુષ હોવા બાબતનો. અલ્જિરિયાની મહિલા બોક્સર ઈમાન ખલીફ હકીકતમાં પુરુષ છે, એવો વિવાદ ચગ્યો હતો, જેને પરિણામે દુનિયાભરના ખેલપ્રેમીઓ અને જાણીતી સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા ગજાવી મૂક્યું હતું. વિવાદમાં બે અતિ-જાણીતી વ્યક્તિઓએ પણ પોતાનો મત રજૂ કરતાં ઈમાને એમના કર કેસ કર્યો છે.
કોના પર કર્યો કેસ?
66 કિગ્રા વજનની કેટગરીમાં 25 વર્ષીય ઈમાને ગોલ્ડ મેડલ જીતી લીધો એ પછી પણ એના પર માછલાં ધોવાવાનું ચાલુ જ છે. અમેરિકાના અબજોપતિ ઉદ્યોગપતિ ઈલોન મસ્ક અને હેરી પોટર નવલકથાઓની જગપ્રસિદ્ધ બ્રિટિશ લેખિકા જે.કે. રોલિંગે ઈમાનની વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ લખતાં ઈમાને બંને ઉપર કેસ કરી દીધો છે.
કોણે શું લખ્યું?
અમેરિકન સ્વિમર રિલે ગેઇન્સે ખલીફની તસવીર સાથેની એક પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર શૅર કરીને એમાં લખ્યું હતું કે, ‘પુરુષો મહિલાઓની રમતનો હિસ્સો ન હોઈ શકે.’ એ ટ્વિટ પર ‘બિલકુલ’ લખીને ઈલોન મસ્કએ એને ફરીથી શૅર કરી હતી.
હેરી પોટર નવલકથાઓની લેખિકા જે.કે. રોલિંગે ‘એક્સ’ પર જ ઈમાનનો વિવાદાસ્પદ બોક્સિંગ મેચનો ફોટો મૂકીને નિંદા કરતાં કંઈક આ પ્રકારે લખ્યું હતું કે, ‘એક મહિલાને માથામાં મુક્કો મારીને એની મહત્વાકાંક્ષાને વેરવિખેર કરી નાંખનાર પુરુષ પેલી મહિલાની તકલીફનો આનંદ માણતો હાસ્ય રેલાવી રહ્યો છે, કેમ કે એને ખબર છે કે રમતજગતમાં મહિલાઓ વિરુદ્ધના અન્યાયી કાયદાને લીધે એને કશું થવાનું નથી.’
બંનેના નિવેદનથી પોતાની માનહાનિ થઈ રહી હોવાનું જણાવીને ઈમાને એમના પર સાયબર-બુલિંગ કેસ કરી દીધો છે.
શું હતી ઘટના?
ઈમાન ખલીફ અને ઈટાલીની ‘એન્જેલા કેરિની’ વચ્ચે ઓલિમ્પિકમાં બોક્સિંગનો મુકાબલો યોજાયો હતો, જેમાં ઈમાનના મુક્કા એટલા પાવરફૂલ હતા કે ફક્ત 46 સેકન્ડમાં જ એન્જેલાએ રમત છોડી દેવી પડી. પીડાની મારી એ રડી પડી હતી. એ મેચ પછી ઈમાનના 'જેન્ડર' બાબતે વિવાદ છેડાઈ ગયો હતો. ઈમાન પર એ શારીરિક રીતે પુરુષ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
પ્રતિબંધ છતાં ગોલ્ડ જીત્યો
લિંગ પરીક્ષણમાં નિષ્ફળ ગઈ હોવાથી ઈમાન ખલીફને ‘ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન’ (IBA) દ્વારા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગેરલાયક ઠેરવવામાં આવી હતી. જોકે, ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ ઈમાનના રંગસૂત્રો પુરૂષો જેવા છે અને એના શરીરમાં પુરૂષ હોર્મોન્સનું પ્રમાણ ખૂબ ઊંચું હોવાનું સાબિત થયું હોવા છતાં એને ઓલિમ્પિકમાં ભાગ લેવાની પરવાનગી આપી હતી.
સાથી બોક્સરનો દાવો – ઈમાન પુરુષ જ છે
દરમિયાન આ વિવાદમાં એક નવો ફણગો ફૂટ્યો છે. ઈમાન સાથે ટ્રેનિંગ લેનારી બલ્ગેરિયન-નાઇજિરિયન મહિલા બોક્સર જોઆના ન્વામેરુએ દાવો કર્યો છે કે, ‘ઈમાન પુરુષ જ છે. ફેબ્રુઆરી 2024માં ઓલિમ્પિક માટે અમે ભેગા પ્રેક્ટિસ કરતાં હતાં ત્યારે મેં ઈમાનની ‘તાકાત’ અને ‘તકનીકો’ જોઈ હતી. એ બધું પુરુષ બોક્સરો જેવું જ હતું. મારી પાસે દરેક વસ્તુનો રેકોર્ડ છે.’
ઈમાનને ચેલેન્જ આપતી હોય એમ જોઆનાએ કહ્યું હતું કે, ‘કોઈ ગમે તે કહે પણ હું એને મહિલા માનવા તૈયાર નથી. જો એ મહિલા હોય તો યોગ્ય પરીક્ષણ દ્વારા સાબિત કરી દેખાડે. પણ હું જાણું છું કે એ કોઈ પરીક્ષણ નહીં કરાવે.’
મહિલા બોક્સર હકીકતમાં પુરુષ હોવાનો આ વિવાદ ક્યાં જઈને અટકશે, ભગવાન જાણે. પ્રશ્નો ઘણા છે. ઈમાને કરેલા કેસમાં શું થશે? જોઆના પાસે ખરેખર સાબિતીઓ છે કે પછી મફતની પબ્લિસિટી માટે એ ફક્ત હવામાં વાતો કરે છે? સાબિતીઓ હોય તો એ દુનિયા સામે જાહેર કરશે ખરી? ઈમાન કોઈ લિંગ પરીક્ષણ કરાવશે? અને કરાવે તો એનું પરિણામ શું આવશે? પરિણામને આધારે એણે જીતેલો મહામૂલો ગોલ્ડ મેડલ એની પાસે જ રહેશે કે છીનવી લેવાશે? આ વિવાદનો કોઈ નિવેડો આવશે કે પછી વખત વિતતાં બધું ભુલાઈ જશે? આવા અનેક સવાલોના જવાબ સમય આવ્યે ખબર પડશે.