'વિરાટે ટ્રોફી જીતવી હોય તો RCBનો સાથ છોડી આ ટીમમાં જોડાય...' દિગ્ગજ ક્રિકેટરની સલાહ
Image: Facebook
Kevin Pietersen: વિરાટ કોહલી પોતાની IPL ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ માટે કેટલા વફાદાર છે આ વાત દરેક જાણે છે. આ ફ્રેન્ચાઈઝીએ વર્ષ 2008માં તેને સૌથી પહેલા તક આપી હતી. આરસીબીની સાથે તેને હવે 17 વર્ષ થઈ ગયા છે. પરંતુ તેના હાથે ક્યારે એક પણ ટ્રોફી આવી નથી. તેમ છતાં કોહલીએ ક્યારેય ફ્રેન્ચાઈઝીનો સાથ છોડવાનું વિચાર્યું નથી પરંતુ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસનનું કહેવું છે કે કોહલી IPL ટ્રોફીનો હકદાર છે, તેણે જો ટ્રોફી જીતવી છે તો તેણે આરસીબીનો સાથ છોડવો પડશે. આ દરમિયાન પીટરસને અમુક વિદેશી ફુટબોલરનું ઉદાહરણ પણ આપ્યુ જેને પોતાનો ક્લબ છોડ્યા બાદ સફળતા મળી.
કેવિન પીટરસને કહ્યું, મે તેને પહેલા પણ કહ્યું છે અને હુ તેને ફરીથી કહીશ, બીજી રમતમાં પણ મહાન ખેલાડીઓએ ગૌરવની શોધમાં ટીમને છોડી છે. જ્યારે વિરાટ કોહલીએ ખૂબ પ્રયત્ન કર્યો ફરીથી ઓરેન્જ કેપ જીતી અને ફરીથી આટલું બધું કર્યું અને ફ્રેન્ચાઈઝી ફરીથી નિષ્ફળ ગઈ. હુ ટીમના બ્રાન્ડ અને ટીમમાં તેના દ્વારા લાવવામાં આવેલા વ્યાવસાયિક મૂલ્યને સમજુ છુ. પરંતુ વિરાટ કોહલી ટ્રોફીનો હકદાર છે. તે આ ટીમમાં રમવાનો હકદાર છે જે તેને ટ્રોફી અપાવવામાં મદદ કરી શકે.
પૂર્વ ઈંગ્લિશ કેપ્ટને આગળ કહ્યું, હુ હકીકતમાં વિચારું છું કે આ દિલ્હી કેપિટલ્સ હોવી જોઈએ. દિલ્હી તે સ્થળ છે જ્યાં વિરાટે જવાની જરૂર છે. વિરાટ દૂર જઈ શકે છે અને મોટાભાગના સમયે ઘરે રહી શકે છે, મને ખબર છે કે તેની પાસે દિલ્હીમાં એક ઘર છે. તેનો એક યુવાન પરિવાર છે. ત્યાં તે વધુ સમય પસાર કરી શકે છે. તે દિલ્હીનો યુવાન છે, તે પાછો કેમ જઈ શકતો નથી. દિલ્હી પણ બેંગ્લુરુની જેમ ડેસ્પરેટ છે. મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે વિરાટ લાંબા સમય સુધી વિચારે. બેકહમ જતો રહ્યો, રોનાલ્ડો જતો રહ્યો, મેસી જતો રહ્યો, હેરી કેન સ્પર્સ છોડીને બાયર્ન મ્યૂનિખ જતો રહ્યો.
વિરાટ કોહલીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ આરસીબીને ખિતાબ જીતાડવા માટે પોતાના સર્વશ્રેષ્ઠ આપ્યુ. 741 રનની સાથે તે અત્યાર સુધી IPL 2024માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેના સિવાય હજુ સુધી કોઈ પણ બેટ્સમેન 600 રનનો સ્કોર પાર કરી શક્યો નથી. બાકીની બે મેચમાં કોઈ બેટ્સમેન દ્વારા વિરાટ કોહલીને ઓરેન્જ કેપની રેસમાં પછાડવો પણ મુશ્કેલ નજર આવી રહ્યું છે.