IND vs BAN: ઈજાગ્રસ્ત સૂર્યકુમાર યાદવ નહીં થાય ફિટ, તો આ ખેલાડી હશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન
Image: Facebook
IND vs BAN: ભારતના ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ સાથે જોડાયેલા એક દુખદ સમાચાર સામે આવી રહ્યાં છે. બુચી બાબુ ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટની એક મેચ દરમિયાન સૂર્યાને ઈજા પહોંચી, જે બાદ તેણે તાત્કાલિક મેદાન છોડી દીધું. જોકે, અત્યાર સુધી અપડેટ આવ્યું નથી કે સૂર્યાની ઈજા કેટલી સીરિયસ છે. ઈજા કેટલી સીરિયસ છે એ તો હજુ સુધી કન્ફર્મ નથી થઈ શક્યુ પરંતુ જો સૂર્યકુમાર ટૂંક સમયમાં ફિટ ન થયો તો ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગી શકે છે.
આગામી સમયમાં ભારતે ઘણી મેચ રમવાની છે. ઓક્ટોબરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 મેચની ટી20 સિરીઝ રમાવાની છે. જો સૂર્યા ફિટ ન થઈ શક્યો તો બાંગ્લાદેશ સિરીઝમાં ભારતમાં ટી20 કેપ્ટન કોણ હશે.
શુભમન ગિલ
જો સૂર્યકુમાર યાદવ ફિટ ન થઈ શક્યો તો ઓપનર શુભમન ગિલને ટી20 સિરીઝ માટે કેપ્ટન બનાવી શકાય છે. ગિલ ટીમ ઈન્ડિયાનો શાનદાર ઓપનિંગ બેટ્સમેન છે અને તાજેતરમાં જ શ્રીલંકા પ્રવાસ પર તેણે ટીમની વાઈસ કેપ્ટનશિપ કરી હતી.
સાથે જ ઝિમ્બાબ્વે પ્રવાસ પર તેણે ટી20 સિરીઝમાં ભારતની કેપ્ટનશિપ કરી હતી. ગિલે કમાલની કેપ્ટનશિપ કરી અને ભારતે પહેલી મેચ હાર્યા બાદ 4-1 થી સિરીઝ પર કબ્જો જમાવ્યો. હવે જોવાનું એ રહેશે કે બાંગ્લાદેશ સિરીઝમાં શુભમનને કેપ્ટનશિપની તક મળે છે કે નહીં.
રિષભ પંત
આ લિસ્ટમાં બીજું નામ ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનું આવે છે. પંતે ટી20 વર્લ્ડ કપ 2024 દ્વારા ટીમ ઈન્ડિયામાં ધમાકેદાર કમબેક કર્યું. જો સૂર્યકુમાર યાદવ ફિટ ન થઈ શક્યો તો રિષભને પણ કેપ્ટન તરીકે જોઈ શકાય છે.
પંત લાંબા સમયથી આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ કરતો આવી રહ્યો છે અને ભારત માટે પણ તેમણે ટી20 ટીમની કેપ્ટનશિપ કરી છે. 2022માં પંતે 5 T20I મેચોમાં દેશની કેપ્ટનશિપ કરી હતી જેમાં 2 માં તેને જીત મળી અને 2 માં હારનો સામનો કરવો પડ્યો. એક મેચનું રિઝલ્ટ આવી શક્યું નથી.
હાર્દિક પંડ્યા
લિસ્ટમાં અંતિમ નામ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું આવે છે. હાર્દિકને એકવાર ફરીથી કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી શકે છે. ટી20 વર્લ્ડ કપ બાદ બીસીસીઆઈએ હાર્દિકના સ્થાને સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવીને તમામને ચોંકાવી દીધા હતાં પરંતુ હવે સૂર્યાની ઈજાએ પંડ્યા માટે દરવાજા ખોલી દીધાં છે. હાર્દિક પંડ્યા ભારત માટે 16 મેચમાં કેપ્ટનશિપ કરી ચૂક્યો છે, જેમાં 10 માં તેને જીત મળી અને 5 માં હારનો સામનો કરવો પડ્યો.