રોહિત સંન્યાસ લઈ લે તો... ગંભીરની પ્રેસ કોન્ફરન્સ બાદ ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચનું સ્ફોટક નિવેદન
Ravi Shastri On Rohit Sharma's Retirement: ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું છે કે જો ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લે તો મને આશ્ચર્ય નહીં થશે. જો કે, તેમનું કહેવું છે કે, જો રોહિતને સિડનીમાં ફેરવેલ ટેસ્ટ રમવાની તક મળે છે, તો તેણે કોઈપણ ભાર વિના રમવું જોઈએ કારણ કે બોર્ડર ગાવસ્કર ટ્રોફી દાવ પર છે. તમને જણાવી દઈએ કે, ભારત એક દાયકાથી બીજીટી ટ્રોફી નથી હાર્યું પરંતુ આ સીરિઝમાં ટીમ ઈન્ડિયા 1-2થી પાછળ છે. જો ટીમ ઈન્ડિયા સિડનીમાં જીતશે તો સીરિઝ 2-2થી ડ્રો થઈ જશે અને ટ્રોફી ભારત પાસે જ રહેશે.
શાસ્ત્રીનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ગૌતમ ગંભીરે સિડની ટેસ્ટમાં રોહિત શર્માના રમવાની પુષ્ટિ નથી કરી. ગંભીરને પૂછવામાં આવ્યું હતું કે, શું ભારતીય કેપ્ટન રોહિત શર્મા પાંચમી ટેસ્ટ રમશે? તો તેના જવાબમાં તેણે કહ્યું કે ટોસ દરમિયાન પિચ જોયા બાદ તે પ્લેઈંગ ઈલેવન નક્કી કરશે.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયામાં અંદરોઅંદર ડખા, રોહિત શર્માને બહાર કરાશે?, જાણો ગંભીરે શું જવાબ આપ્યો
રવિ શાસ્ત્રીએ કહ્યું કે, 'જો હું રોહિત શર્માની આસપાસ હોત, તો તેને કહ્યું હોત કે જા અને ધમાકો કર. મેદાન પર જા અને ધમાકો કર. હાલમાં તે જે રીતે રમી રહ્યો છે, તે સારું નથી લાગી રહ્યું. તેણે વિરોધી ટીમ પર આક્રમણ કરવું પડશે અને પછી જોવું પડશે કે શું થાય.'
રોહિત સંન્યાસ લઈ લે તો મને આશ્ચર્ય નહીં થાય
શાસ્ત્રીએ આગળ કહ્યું કે, તે પોતાની કારકિર્દી અંગે નિર્ણય લેશે, પરંતુ જો તે સંન્યાસ લઈ લે તો મને આશ્ચર્ય નહીં થાય, કારણ કે તેની ઉંમર હવે ઓછી નથી. શુભમન ગિલ જેવા યુવા ખેલાડીઓ રાહ જોઈ રહ્યા છે, જેની એવરેજ 2024માં 40ની વધુ છે. આ ક્વોલિટીના ખેલાડીને બેન્ચ પર બેઠેલો જોવું તમને આશ્ચર્યમાં મૂકે છે. તેથી મને આશ્ચર્ય નહીં થશે પરંતુ છેલ્લે તો તે તેનો જ નિર્ણય છે. પરંતુ જો ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થાય છે તો તે એક અલગ સ્ટોરી છે. અન્યથા આ તેના માટે શાનદાર પ્રદર્શન કરવાનો યોગ્ય સમય હઈ શકે છે.