ચાલુ મેચમાં વિવાદ થયો તો મળશે કડક સજા, IPL 2025 માટે બનાવાયો નવો નિયમ
IPL 2025 : આગામી IPL 2025ના મેગા ઓક્શન પછી હવે ચાહકો લીગની શરૂઆત થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. IPL 2025 માર્ચના છેલ્લા અઠવાડિયામાં શરૂ થવાની આશા છે. જો કે, BCCIના ઉપાધ્યક્ષ અને ભૂતપૂર્વ IPL ચેરમેન રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, IPL 23 માર્ચથી પણ શરૂ થઈ શકે છે. આ સિવાય મહિલા પ્રીમિયર લીગ (WPL) ચાર અલગ અલગ શહેરોમાં આયોજિત કરવામાં આવશે. IPL શરૂ થાય તે પહેલા મેદાન પર ખેલાડીઓની શિસ્ત સંબંધિત ઘણાં નિયમોને કડક કરવામાં આવ્યા છે.
ખેલાડીઓની શિસ્તભંગના નિયમો કડક બનાવાયા
આગામી 2025ની IPL સિઝનમાં મેદાન પર ખેલાડીઓની શિસ્તભંગના નિયમો કડક બનાવાયા છે. હવે IPLમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ની આચારસંહિતાનું પાલન કરવામાં આવશે. રવિવારે યોજાયેલી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંતર્ગત ખેલાડીઓને લેવલ 1, 2 અને 3 ના ઉલ્લંઘન માટે ICC નિયમો અનુસાર સજા કરવામાં આવશે. ગવર્નિંગ કાઉન્સિલના એક સભ્યે જણાવ્યું હતું કે, 'હવેથી IPLમાં ICC ની T20Iની શરતોનું પાલન કરવામાં આવશે. પહેલા લીગના પોતાના નિયમો હતા. પરંતુ હવે ICC દ્વારા નિર્ધારિત આચારસંહિતા લાગુ કરવામાં આવશે.'
આ પણ વાંચો :એરપોર્ટ પર ક્રિકેટર અભિષેક શર્મા સાથે દુર્વ્યવહાર, ફ્લાઇટ પણ છૂટી ગઈ, જુઓ શું કહ્યું
આગાઉ ઘણાં વિવાદો થઇ ચૂક્યા છે IPLમાં
ગત સિઝનમાં 10 ખેલાડીઓ પર આચારસંહિતાના ઉલ્લંઘન બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. સૌથી વધુ ચર્ચામાં રહેલો કેસ કોલકાતા નાઈટ રાઈડર્સના બોલર હર્ષિત રાણાનો હતો. તેણે સનરાઇઝર્સ હૈદરાબાદના બેટર મયંક અગ્રવાલને આઉટ કર્યા પછી ફ્લાઇંગ કિસ આપીને નિયમોનો ભંગ કર્યો. આ માટે તેને મેચ ફીના 60 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત હર્ષિતે દિલ્હી કેપિટલ્સ સામે પણ ઉલ્લંઘન કર્યું હતું. જેમાં તેની ઉજવણીને 'ખૂબ આક્રમક' માનવામાં આવી હતી. આ માટે તેને મેચ ફીના 100 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો અને આગામી મેચમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આમ છતાં, હર્ષિત આ IPL 2024 માં અનકેપ્ડ બોલરોમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યો હતો.