Explainer: નેપાળ, પાપુઆ ન્યૂ ગિની અને યુગાન્ડા જેવા દેશો ક્રિકેટ વર્લ્ડ કપમાં કેવી રીતે પહોંચી ગયા?
Spread Of Cricket In The World: ક્રિકેટનો T-20 વિશ્વકપ હાલ છેલ્લા તબક્કામાં છે. ગ્રૂપ સ્ટેજમાં ભાગ લેનારી 20 ટીમમાંથી 8 ટીમ ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને યજમાન અમેરિકા સુપર-8 રાઉન્ડમાં પહોંચી છે. પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા જેવા જૂના જોગીઓ અપસેટના શિકાર થઈને સ્પર્ધામાંથી બાકાત થઈ ગયા. સુપર-8માં પ્રવેશ મેળવેલ 8 ટીમમાંથી અફઘાનિસ્તાન અને અમેરિકા એ બે નામ જોઈને નવાઈ લાગે એમ છે. પ્રશ્ન થાય કે, આ બંને દેશોએ ક્રિકેટમાં એવું તો કેવુંક કાંઠું કાઢ્યું કે દાયકાઓથી જામી પડેલી ટીમોને હડસેલીને આગળ વધી ગયા? આઇસીસીએ એ દેશોને એવી તો કેવીક ઘુટ્ટી પીવડાવી હશે કે વિશ્વકપ કક્ષાની સ્પર્ધામાં એમને આવી ઝળહળતી સફળતા મળી?
ક્રિકેટ એટલે ફક્ત આઇસીસી અને બીસીસીઆઇ નહીં
આઇસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) પર બીસીસીઆઇ (બોર્ડ ઑફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા)ની પકડ કેટલી મજબૂત છે એ તો સૌ જાણે છે. બીસીસીઆઇ ઉપરાંત સીએ (ક્રિકેટ ઓસ્ટ્રેલિયા) અને ઇસીબી (ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ) એ બે ક્રિકેટ બૉર્ડ આઇસીસીમાં વજનદાર નામ ધરાવે છે. પણ શું તમે જાણો છો કે, ઉપરોક્ત નામ ઉપરાંત દુનિયાના જે-તે ખંડના પ્રતિનિધિ રૂપે આગવા ક્રિકેટ બૉર્ડ પણ અસ્તિત્વ ધરાવે છે? જેમ કે, એસીસી (એશિયન ક્રિકેટ કાઉન્સિલ) જેના સભ્ય દેશોની સંખ્યા 25 છે અને એમાં બ્રુનેઇ અને ભુતાન જેવા બચુકડા દેશોથી લઈને ચીન અને સાઉદી અરેબિયા જેવા વિશાળ, હોંગ કોંગ અને સિંગાપોર જેવા વિકસિત તથા ઈરાન અને ઓમાન જેવા મુસ્લિમ બહુમતી દેશોનો પણ સમાવેશ થાય છે. એ જ પ્રકારે આફ્રિકા (એસીએ - આફ્રિકન ક્રિકેટ એસોસિએશન), યુરોપ (ઈસીસી – યુરોપિયન ક્રિકેટ કાઉન્સિલ), અમેરિકા (આઇસીસી અમેરિકાઝ) અને આઇસીસી ઈસ્ટ-એશિયા પેસિફિક (ઓસ્ટ્રિલિયા, ન્યૂઝીલેન્ડ વિસ્તારના દેશો)માં પણ ક્રિકેટની પાંખો ફેલાયેલી છે. ટૂંકમાં એમ કહી શકાય કે એકમાત્ર દક્ષિણ અમેરિકી ખંડ સિવાય આખી દુનિયામાં ક્રિકેટનો પ્રચાર-પ્રસાર કરતી સંસ્થાઓ કાર્યરત છે.
ખરેખર છે?
આ પ્રશ્ન થવો સ્વાભાવિક છે, કેમ કે ક્રિકેટ વિશ્વકપ યોજાય ત્યારે અવનવા દેશોને એમાં એન્ટ્રી મળી જતી હોય છે. અમુક દેશોના નામ જાણીને તો અઠંગ ક્રિકેટપ્રેમીઓ પણ નવાઈ પામી જાય છે, એમ વિચારીને કે, ‘ઓહો! આવડો આ દેશ પણ ક્રિકેટ રમી જાણે છે! એય વિશ્વકપ કક્ષાનું ક્રિકેટ!’
હાલ ચાલી રહેલા વિશ્વકપમાં પણ પાપુઆ ન્યુગિની અને યુગાન્ડા જેવા દેશોના નામ જોઈને ઘણાંને નવાઈ લાગી હશે. કોઈ દેશ અમસ્તો તો વિશ્વકપ જેવા રમતમેળામાં ભાગ લેવા ન પહોંચી જાય-ને? સ્થાનિક કક્ષાએ નક્કર કામ થયું હશે તો જ જે-તે દેશને આ સ્તર પર ખેલવાની તક આપવામાં આવી હશે.
ક્રિકેટનો પ્રસાર- કેવો અને કેટલો?
ક્રિકેટમાં પા-પા પગલી ભરતા દેશોમાં ક્રિકેટની બેઝિક જરૂરિયાતો પૂરી પાડવા માટે આઇસીસી દ્વારા ખાસ નાણાભંડોળ પૂરું પાડવામાં આવે છે. સ્થાનિક સ્તરે શાળા અને કોલેજોમાં ક્રિકેટની ફ્રેન્ડલી મેચોનું આયોજન કરીને વિદ્યાર્થીઓ અને એમના માતા-પિતામાં ક્રિકેટ પ્રત્યે રસ અને સમજણ જગાવવાના પ્રયત્ન કરાય છે. ઓનલાઇન અને ઓફલાઇન કૉર્સ દ્વારા કૉચ તૈયાર કરવામાં આવે છે, જે વિવિધ લેવલ પાર કરીને સર્ટિફાઇડ થાય પછી સ્થાનિક સ્તરે ક્રિકેટરો તૈયાર કરવાનું કામ કરે છે. એ જ પ્રકારે રસ ધરાવતી વ્યક્તિને પિચ અને મેદાન તૈયાર કરવાની ટ્રેનિંગ પણ આઇસીસીના મોડ્યુલ દ્વારા આપવામાં આવે છે. સ્થાનિક સ્તરે ક્રિકેટને પ્રમોટ કરવા માટે સ્પોન્સર્સનો સહયોગ પણ લેવામાં આવે છે. પ્રતિભાશાળી ક્રિકેટરોને એક્સ્ચેન્જ પ્રોગ્રામનો લાભ પણ મળતો હોય છે. નવી પેઢીને ક્રિકેટમાં ઝડપથી રસ લેતી કરવા માટે પણ આઇસીસી દ્વારા ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ એવા T-20 પર જોર આપવામાં આવે છે. 2028માં અમેરિકાના લોસ એન્જલસમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સમાં પણ ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. 2024ના T-20 વિશ્વકપને અમેરિકામાં રમાડવા પાછળની ગણતરીમાં પણ ક્રિકેટનો ફેલાવો જ છે. એ વાત અલગ છે કે પ્રતિકૂળ વાતાવરણને કારણે રદ થતી મેચો, ખરાબ પિચ, દર્શકોની ઓછી સંખ્યા અને ખામીયુક્ત આયોજનને કારણે આઇસીસી આ વિશ્વકપ દ્વારા ધાર્યા નિશાન પાર પાડી શક્યું નથી.
આઇસીસીના દાવાની હકીકત
જોકે, આટઆટલા પ્રયાસો કરાતા હોવાના દાવા છતાં હકીકત એ છે કે, વિશ્વમાં ક્રિકેટનો ફેલાવો અન્ય રમતોની જેમ થતો નથી. દુનિયામાં કુલ 104 દેશોમાં ક્રિકેટ રમાય છે, પણ એમાંથી ગણીને ફક્ત 12 દેશ કાયમી સભ્ય છે; બાકીના 92 એસોસિયેટ મેમ્બર્સ છે. વિશ્વફલક પર ક્રિકેટ દાયકાઓથી ખેલાતું હોવા છતાં હાલત એવી છે કે, એક હદથી વધારે દેશો એના મુખ્ય પ્રવાહમાં સામેલ થઈ શકતાં નથી. જે 12 કાયમી સભ્યો છે એમાંય ઘણાના દેખાવમાં એકસૂત્રતા નથી. ઝિમ્બાબ્વે જેવા દેશમાં છેલ્લા બે દાયકામાં ક્રિકેટ ખાડે ગયું છે. રાજકીય અસ્થિરતા અને આતંકવાદને પાપે ક્યારેક એશિયન જાયન્ટ ગણાતા પાકિસ્તાનના પણ ખસ્તાહાલ છે. શ્રીલંકન ક્રિકેટ પણ નાણાના અભાવે ડચકાં ખાતું રહે છે. દાયકાઓથી સારું ક્રિકેટ રમતાં રહેલા આ દેશોને પણ આઇસીસી ઉગારી નથી શકતી ત્યારે સ્વાભાવિક પ્રશ્ન થાય કે, નવા દેશોને ક્રિકેટ રમતા કરવાના કેવાક પ્રયાસો એ કરતી હશે? આજે વિશ્વકપમાં હોંશેહોંશે ભાગ લઈ રહેલી ટીમ આગામી વિશ્વકપ વખતે ક્યાં હશે, એ તો કદાચ ભગવાન પણ નહીં જાણતો હોય!
છેલ્લા થોડા વર્ષોમાં નેધરલેન્ડ્સ, આયર્લેન્ડ, અફઘાનિસ્તાન, નામીબિઆ અને સ્કોટલેન્ડ જેવા દેશોએ ક્રિકેટ ક્ષેત્રે દેખીતી પ્રગતિ કરી છે, ત્યારે આગામી વર્ષોમાં થોડા વધુ દેશો ક્રિકેટમાં પ્રભાવશાળી પ્રદર્શન કરશે એવી આશા રાખી શકાય.