ICCએ U19 વર્લ્ડકપ 2024 માટે ટીમ ઓફ ધ ટુર્નામેન્ટની કરી જાહેરાત, ભારતના 4 ખેલાડીઓને સ્થાન
ટીમની પસંદગી મીડિયા, બ્રોડકાસ્ટર્સ અને ICC પ્રતિનિધિઓની પેનલ દ્વારા કરવામાં આવી હતી
Image:Twitter |
ICC U19 World Cup 2024 Team Of The Tournament : ICCએ ગઈકાલે અંડર-19 વર્લ્ડકપ 2024 માટે ‘ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ’ જાહેર કરી હતી. આ ટીમમાં ભારતીય ટીમના એક-બે નહીં પરંતુ 4 ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. ICCએ જાહેર કરેલી ટીમમાં કેપ્ટન ઉદય સહારન અને સ્ટાર બેટર મુશીર ખાન સહિત બેટર સચિન ધાસ અને સ્પિનર સૌમ્ય પાંડેને પણ સ્થાન મળ્યું છે.
ઓસ્ટ્રેલિયાના ત્રણ ખેલાડીઓને મળ્યું સ્થાન
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન હ્યુગ વીબગેનને ટીમ ઓફ ધ ટુર્નામેન્ટના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ટીમની પસંદગી મીડિયા, બ્રોડકાસ્ટર્સ અને ICC પ્રતિનિધિઓની પેનલ દ્વારા કરવામાં આવી હતી. ભારતના ચાર ખેલાડીઓ ઉપરાંત, ICCએ ટુર્નામેન્ટની ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયાના ત્રણ ખેલાડીઓ, સાઉથ આફ્રિકાના બે ખેલાડીઓ અને વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાનના એક-એક ખેલાડીને ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં સામેલ કર્યા છે.
ODI World Cup 2023માં પણ ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું
સ્કોટલેન્ડના જેમી ડંકને આ ટીમમાં 12મા ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યો છે. આ ટુર્નામેન્ટમાં ભારત સેમિફાઈનલ સુધી એક પણ મેચ હાર્યું ન હતું, પરંતુ ફાઇનલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. ODI World Cup 2023માં પણ કંઈક આવું જ થયું હતું. ભારતીય ટીમ સેમિફાઇનલ સુધી ODI World Cup 2023માં અજેય હતી, પરંતુ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.
ICC ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ
લુઆન ડ્રે પ્રિટોરિયસ (સાઉથ આફ્રિકા) (wkt), હેરી ડિક્સન (ઓસ્ટ્રેલિયા), મુશીર ખાન (ભારત), હ્યુગ વીબગેન (ઓસ્ટ્રેલિયા) (C), ઉદય સહારન (ભારત), સચિન ધાસ (ભારત), નાથન એડવર્ડ્સ (વેસ્ટ ઈન્ડિઝ), કેલમ વિડલર (ઓસ્ટ્રેલિયા), ઉબેદ શાહ (પાકિસ્તાન), ક્વેના મફાકા (સાઉથ આફ્રિકા), સૌમ્ય પાંડે (ભારત), જેમી ડંક (સ્કોટલેન્ડ) (12મો ખેલાડી)