ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન નહીં જાય ટીમ ઈન્ડિયા, ભારત સરકારે ન આપી મંજૂરી
ICC Champions Trophy 2025 : ભારતીય ક્રિકેટ ટીમ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી-2025માં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે કે નહીં, તે અંગે મહત્ત્વનો અહેવાલ સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ ભારતીય ટીમના પાકિસ્તાન જવા અંગે ભારત સરકારે હજુ સુધી કોઈપણ મંજૂરી (બિનસત્તાવાર રીતે) આપી નથી. રિપોર્ટમાં એવા પણ દાવો કરાયો છે કે, ચેમ્પિયન્સ ટ્રોફીનો કાર્યક્રમ 11મી નવેમ્બરે જાહેર થઈ શકે છે. જોકે ટ્રોફીનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર નહીં કરવામાં આવે, કારણ કે, ભારતની મેચો કયાં સ્થળે રમાડવા અંગે નિર્ણય લેવામાં હજુ વાર લાગશે.
ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન જવા પર સસ્પેન્સ
રિપોર્ટ મુજબ, આ મામલે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સ્પષ્ટ માહિતી મેળવવા માગે છે અને તે સરકારને સત્તાવાર પત્ર પણ લખશે. આમ તો ટુર્નામેન્ટના ત્રણ મહિના પહેલા કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવે છે અને તેમાં ભારતની ભાગીદારી અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી, જેના કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ની સાથે સાથે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે.
આ પણ વાંચો : પાંચ ટીમે પોતાના કેપ્ટનને કર્યા રિટેન, ગુજરાત-મુંબઈએ દિગ્ગજને રિલીઝ કરીને ચોંકાવ્યા
ટીમ ઈન્ડિયાની પાકિસ્તાન જવાની સ્થિતિ જો અને તો જેવી
રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવા બીસીસીઆઈએ સરકાર દ્વારા મંજૂરી સંબંધીત તમામ પ્રક્રિયા પુરી કરવામાં વધુ એક મહિનાનો સમય લાગશે. બીજીતરફ એવી વિગતો પણ સામે આવી છે કે, ઉચ્ચ અધિકારીઓ ભારતીય ટીમને પાકિસ્તાન જવા માટે મંજૂરી ન આપે, તેવી પણ સંપૂર્ણ સંભાવના છે. આ તમામ ઘટનાક્રમમાં હજુ સુધી કોઈ પ્રગતિ થઈ નથી અને ભારત સરકારના વલણ પરથી પણ લાગી રહ્યું છે કે, ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય. જોકે કોઈ નાટકીય ઘટના બને અને એક મહિનામાં બંને દેશો વચ્ચેના સંબંધો સુધરે, તો સ્થિતિ બદલાઈ શકે છે.
આ પણ વાંચો : IPL 2025 મેગા ઓક્શનમાં આ ચાર ખેલાડીઓ પર પૈસાનો વરસાદ કરશે RCB, ડિવિલિયર્સે આપી સલાહ