ICCએ જાહેર કરી નવી ટેસ્ટ રેન્કિંગ, કિંગ કોહલીની ટોપ-10માં એન્ટ્રી, કેપ્ટન રોહિત શર્માને થયું નુકસાન
ન્યુઝીલેન્ડનો ખેલાડી કેન વિલિયમસન 864 રેટિંગ પોઈન્ટ્સ સાથે ટોપ પર છે
Image:File Photo |
ICC Test Ranking : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને એક ઇનિંગ અને 32 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. તે મેચમાં ભારતીય ટીમનું બેટ્સમેન ફ્લોપ સાબિત થયા હતા. જેના પરિણામે ભારતીય બેટ્સમેનોને ICCની ટેસ્ટ રેન્કિંગમાં નુકસાન થયો છે. કેપ્ટન રોહિત શર્મા ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોપ 10માંથી બહાર થઇ ગયો છે,જયારે વિરાટ કોહલી આ રેન્કિંગમાં છલાંગ લગાવી ટોપ 10માં સામેલ થઇ ગયો છે.
કેન વિલિયમસન ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર
ICC દ્વારા હાલમાં જાહેર કરવામાં આવેલ ટેસ્ટ રેન્કિંગમાં ન્યુઝીલેન્ડનો ખેલાડી કેન વિલિયમસન 864 રેટિંગ પોઈન્ટ્સ સાથે ટોપ પર છે. જયારે ઇંગ્લેન્ડનો ખેલાડી જો રુટ 859 રેટિંગ પોઈન્ટ્સ સાથે બીજા નંબરે છે. સ્ટીવ સ્મિથ 820 રેટિંગ પોઈન્ટ્સ સાથે ત્રીજા નંબરે બિરાજમાન છે. એટલે કે પ્રથમ ત્રણ સ્થાને વધારે ફેરફાર થયો નથી.
ડેરિલ મિચેલ પહોંચ્યો ચોથા સ્થાને
ન્યુઝીલેન્ડના ડેરિલ મિચેલે ત્રણ સ્થાનની છલાંગ લગાવી છે. મિચેલ 786 રેટિંગ સાથે ચોથા નંબરે પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયન ખેલાડી ઉસ્માન ખ્વાજા 785 રેટિંગ પોઈન્ટ્સ સાથે પાંચમાં નંબરે પહોંચી ગયો છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમને પણ એક સ્થાનનું નુકસાન થયું છે. તેની રેટિંગ 782 છે. ઓસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન 777 રેટિંગ સાથે એક સ્થાન આગળ વધીને સાતમા ક્રમે પહોંચી ગયો છે. ઈંગ્લેન્ડના હેરી બ્રુકને પણ એક સ્થાનનો ફાયદો થયો છે. તે હવે 773 રેટિંગ સાથે આઠમા નંબર પર છે.
વિરાટ કોહલી ટોપ-10માં સામેલ
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ આ દરમિયાન ચાર સ્થાન આગળ વધી ગયો છે. તે 761 રેટિંગ સાથે સીધો નવમાં સ્થાને આવી ગયો છે. કોહલીએ સાઉથ આફ્રિકા સામે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં 38 રન જયારે બીજી ઇનિંગમાં 76 રન બનાવ્યા હતા. જેનો ફાયદો વિરાટને ટેસ્ટ રેન્કિંગમાં મળ્યો છે.
રોહિત શર્માને થયું નુકસાન
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને ચાર સ્થાનોનું નુકસાન થયું છે. તે પહેલા ટોપ 10માં સામેલ હતો પરંતુ હવે તે સીધો 14માં સ્થાને પહોંચી ગયો છે. તેની રેટિંગ 719 છે. જયારે લાંબા સમયથી ભારતીય ક્રિકેટ ટીમથી બહાર ચાલી રહેલો રિષભ પંત 735 રેટિંગ સાથે 12માં સ્થાને છે. સાઉથ આફ્રિકા સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટના અંત બાદ વિરાટ કોહલી અને રોહિત શર્માની રેટિંગમાં અસર જોવા જરૂર મળશે.