Get The App

ICC ટેસ્ટ રેન્કિંગમાં 1965 પછી પહેલીવાર ધરખમ ફેરફાર, શરમજનક હાર પછી પાકિસ્તાન ઉંધે માથે

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
ICC ટેસ્ટ રેન્કિંગમાં 1965 પછી પહેલીવાર ધરખમ ફેરફાર, શરમજનક હાર પછી પાકિસ્તાન ઉંધે માથે 1 - image


Image Source: X

ICC Test Rankings: બાંગ્લાદેશ સામે ઘર આંગણે જ શરમજનક હાર બાદ પાકિસ્તાની ટીમને ખૂબ ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરેલુ ટેસ્ટ સીરીઝમાં શરમજનક હારના એક દિવસ બાદ પાકિસ્તાન ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. બે ટેસ્ટ મેચોની સીરીઝમાં ધૂળ ચાટ્યા બાદ પાકિસ્તાન ટીમ ICC ટેસ્ટ રેન્કિંગમાં ઉંધે માથે પછડાઈ છે. પાકિસ્તાન ટીમની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ જેવી ટીમો તેનાથી ઉપર છે. પાકિસ્તાનની નીચે માત્ર 4 ટીમો જ છે. તાજેતરની ICC ટેસ્ટ ટીમ રેન્કિંગમાં પાકિસ્તાન 2 સ્થાન નીચે આવી ગયું છે અને હવે તે 8માં નંબરે પહોંચી ગયું છે. આ પાકિસ્તાનના ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી ખરાબ ટેસ્ટ રેન્કિંગ છે.

પાકિસ્તાન ક્રિકેટનો સૌથી ખરાબ સમય

પાકિસ્તાનનું 2021થી ઘરેલુ ટેસ્ટ મેચોમાં પ્રદર્શન ખરાબ રહ્યું છે. પાકિસ્તાનની ટીમે પોતાની છેલ્લી 10માંથી 6 ટેસ્ટ મેચમાં હારનો સામનો કર્યો છે જ્યારે અન્ય ચાર ટેસ્ટ ડ્રો રહી છે. ઘરેલું ટેસ્ટમાં છેલ્લી જીત તેને ફેબ્રુઆરી 2021માં મળી હતી. બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરીઝ પહેલા યજમાન પાકિસ્તાનની ટીમ ટેસ્ટ રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને હતી, પરંતુ સતત 2 મેચ હાર્યા બાદ હવે તે 76 રેટિંગ પોઈન્ટ સાથે વેસ્ટ ઈન્ડિઝથી નીચે પહોંચી ગઈ છે. વર્ષ 1965 બાદથી ટેસ્ટ રેન્કિંગમાં પાકિસ્તાનનો આ સૌથી ઓછો રેટિંગ પોઈન્ટ છે, સિવાય કે ટૂંકા ગાળાને બાદ કરતાં જ્યારે તેને ઓછી મેચો રમવાને કારણે રેન્કિંગમાં સ્થાન નહોતું મળ્યું.

શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝને થયો ફાયદો

ICCની તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા 124 રેટિંગ પોઈન્ટ સાથે ટોપ પર છે. ભારત રેન્કિંગમાં બીજા સ્થાને છે. ટીમ ઈન્ડિયાના રેટિંગ પોઈન્ટ્સમાં ઓસ્ટ્રેલિયા કરતા માત્ર 4 પોઈન્ટ ઓછા છે. ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાન પર છે. શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝને પાકિસ્તાન 2 સ્થાન નીચે આવવાને કારણે 1-1 સ્થાનનો ફાયદો થયો છે. શ્રીલંકા છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે જ્યારે વેસ્ટ ઈન્ડિઝ સાતમા સ્થાને પહોંચી ગયું છે. ટેસ્ટ સીરીઝમાં ક્લીન સ્વીપ છતાં બાંગ્લાદેશ નવમા સ્થાને પાકિસ્તાનથી પાછળ છે. જોકે, બાંગ્લાદેશને સીરીઝ જીતવાના કારણે 13 રેટિંગ પોઈન્ટ્સનો ફાયદો થયો છે. 


Google NewsGoogle News