રોહિત, બાબર જેવા ધૂરંધરોને પછાડી ICC ટેસ્ટ રેન્કિંગમાં ઈંગ્લિશ બેટરની લાંબી છલાંગ, નંબર-1 કોણ?
ICC Test Rankings: ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચ બાદ ICC દ્વારા નવી ટેસ્ટ રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. આ દરમિયાન એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટ ટેસ્ટમાં નંબર વન બેટ્સમેન બની શકે છે. પરંતુ તેઓ ઓછા માર્જિનથી ચૂકી ગયા. પરંતુ ઇંગ્લેન્ડના હેરી બ્રુકે જબરદસ્ત છલાંગ લગાવી છે. જેના કારણે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને થોડું નુકસાન થયું છે. તેમ છતાં ભારતના ત્રણ બેટર ટોપ 10માં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા છે.
ICC ટેસ્ટ રેન્કિંગમાં કેન વિલિયમસન નંબર વન બેટર
ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન હજુ પણ ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન બેટર છે. હાલમાં તેનું રેટિંગ 859 છે. તેમ છતાં તેમનું પદ જોખમમાં લાગે છે. કારણ કે ઇંગ્લેન્ડના જો રૂટ 852ના રેટિંગ સાથે બીજા રેન્ક પર છે. જેમાં પ્રથમ અને બીજા નંબરના બેટ્સમેન વચ્ચે માત્ર સાત રેટિંગ પોઈન્ટનો તફાવત છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી અને છેલ્લી ટેસ્ટમાં જો ઈંગ્લેન્ડનો જો રૂટ મોટી ઇનિંગ રમે છે તો તેની પાસે ટેસ્ટમાં નંબર વન બનવાની તક છે. જયારે આ રેન્કિંગમાં ઇંગ્લેન્ડના હેરી બ્રુક ત્રીજા સ્થાન પર છે. હેરી બ્રુકે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં સદી ફટકારતા તેનું રેટિંગ વધીને 771 થઈ ગયું છે.
બાબર આઝમ, ડેરીલ મિશેલ, રોહિત શર્મા અને સ્ટીવ સ્મિથને નુકસાન
768 રેટિંગ સાથે પાકિસ્તાનનો બાબર આઝમ ચોથા સ્થાને છે. તેમજ પાંચમાં સ્થાને ન્યુઝીલેન્ડના ડેરીલ મિશેલે પણ 768નું રેટિંગ મેળવ્યું છે. તો છઠ્ઠા નંબર પર 757ના રેટિંગ સાથે સ્ટીવ સ્મિથ છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ એક સ્થાન નીચે ગયો છે. તેનું રેટિંગ 751 છે અને તે સાતમા નંબર પર આવી ગયો છે.
યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલી ટોપ 10માં યથાવત
ભારતની યશસ્વી જયસ્વાલ 740 રેટિંગ સાથે આઠમા સ્થાને યથાવત છે. જયારે શ્રીલંકાના દામુથ કરુણારત્ને 739 રેટિંગ સાથે નવમા નંબર પર યથાવત છે. ટોપ 10માં વિરાટ કોહલી છેલ્લા સ્થાને છે. તેનું રેટિંગ હજુ પણ 737 છે. વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ બાદ પણ રેન્કિંગમાં ઘણા ફેરફાર થઈ શકે છે.