ICC T20I Rankings: નવી યાદીમાં અભિષેક શર્માનો તહેલકો, ઋતુરાજ ગાયકવાડની ટોપ-10માં એન્ટ્રી
Image:Twitter
એક સપ્તાહમાં જ વર્લ્ડના બેસ્ટ ઓલરાઉન્ડરનો તાજ હાર્દિક પાંડ્યા પાસેથી છીનવાઈ ગયો છે પરંતુ અન્ય ભારતીય ખેલાડીઓએ ICC રેન્કિંગની નવી યાદીમાં તહેલકો મચાવ્યો છે. તાજેતરની જાહેર થયેલ ICC T20 રેન્કિંગના મોટા સમાચાર એ છે કે ઋતુરાજ ગાયકવાડ બેટ્સમેનની રેન્કિંગમાં ટોપ-10માં સામેલ થઈ ગયો છે. બીજી તરફ અભિષેક શર્માએ પણ ICC રેન્કિંગમાં શાનદાર શરૂઆત કરી છે. ઝિમ્બાબ્વે સામે રમાઈ રહેલી T20 શ્રેણીમાં અત્યાર સુધી આ બંને ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે.
ICC T20 રેન્કિંગ પર એક નજર :
નવી ICC T20 રેન્કિંગમાં બે ભારતીય બેટ્સમેનોનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. ઝિમ્બાબ્વે સામે ટી20 સીરીઝ રમી રહેલા અભિષેક શર્મા અને ઋતુરાજ ગાયકવાડે ટી20 રેન્કિંગમાં જબરદસ્ત છલાંગ લગાવી છે. ઋતુરાજ ગાયકવાડે 13 સ્થાનની છલાંગ લગાવીને 7મા નંબરે સ્થાન બનાવ્યું છે. આ સાથે જ અભિષેક શર્માની આઈસીસી રેન્કિંગમાં પ્રથમ વખત એન્ટ્રી થઈ ગઈ છે અને તે પણ ધાકડ રહી છે. તે બેસ્ટ બેટ્સમેનની યાદીમાં 75મા સ્થાને આવી ગયો છે.
અભિષેક શર્માની યાદગાર સદી :
23 વર્ષના અભિષેક શર્માએ ઝિમ્બાબ્વે સામે રમાઈ રહેલી ટી-20 સીરિઝથી પોતાના ભારતીય ક્રિકેટ ટીમ માટે કરિયરની શરૂઆત કરી છે. આ સીરિઝની પ્રથમ મેચમાં તો ખૂબ જ ખરાબ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ડેબ્યુ મેચમાં જ ગોલ્ડન ડક એટલેકે ખાતુ ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો, પરંતુ બીજી મેચમાં શાનદાર સદી ફટકારીને પોતાના નામનો ડંકો વગાડ્યો છે. 47 બોલમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 100 રન બનાવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃતિ જાહેર કરનાર રોહિત શર્માની જેમ જ અભિષેકે પોતાના કરિયરની પ્રથમ સદી ઝિમ્બાવે સામે ફટકારી છે અને આ બંને ખેલાડી ઓપનર છે.
તે જ સમયે CSKના અનુભવી બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે T20 શ્રેણીની બીજી મેચમાં 44 બોલમાં 77 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં 11 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.
અન્ય કોઈ ભારતીય ?
આ યાદીમાં સૂર્યકુમાર યાદવ હજુ પણ બીજા નંબર પર યથાવત છે, જ્યારે યશસ્વી જયસ્વાલને ત્રણ સ્થાનનું નુકસાન થયું છે અને તે હવે 10મા નંબર પર આવી ગયો છે. જોકે રિંકુ સિંહને રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. રિંકુ હવે 4 સ્થાન આગળ વધીને 39મા સ્થાને પહોંચ્યો છે તો ઝિમ્બાવે સામે કેપ્ટન શુભમન ગિલ પણ 74મા સ્થાનેથી 73મા સ્થાને પહોંચી ગયો છે. શિવમ દુબેને ભારે નુકસાન થયું છે. હવે તે 5 સ્થાન નીચે ગગડીને 73મા સ્થાને આવી ગયો છે.
રવિ બિશ્નોઈનો બોલિંગમાં તરખાટ :
રવિ બિશ્નોઈએ તાજેતરની શ્રેણીમાં ખૂબ જ ઈકોનોમીકલ બોલિંગ કરી છે. પ્રથમ ટી20માં 4 અને બીજી ટી20માં 2 વિકેટ ઝડપતા રેન્કિંગમાં ફાયદો થયો છે. 8 સ્થાનની છલાંગ લગાવીને હવે બોલરોની યાદીમાં 14મા સ્થાને પહોંચી ગયો છે. જોકે ટી20 વર્લ્ડ કપનો ભાગ રહેલા ભારતીય બોલરોને આ રેન્કિંગમાં નુકસાન થયું છે કારણકે તેઓ ઝિમ્બાવે સામેની શ્રેણીનો ભાગ નથી.