ICCએ જાહેર કરી T20I રેન્કિંગ, અક્ષર પટેલ ટોપ-5માં, જયસ્વાલને પણ થયો ફાયદો
રુતુરાજ ગાયકવાડ 661 રેન્કિંગ પોઈન્ટ્સ સાથે નવમા સ્થાને છે
Image: File Photo |
ICC T20I Ranking : ICC દ્વારા જાહેર કરવામાં આવેલ T20I રેન્કિંગમાં ભારતીય ટીમના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલને મોટો ફાયદો થયો છે. તેની ટોપ-10માં એન્ટ્રી થઇ ગઈ છે. જયસ્વાલ 13મા સ્થાનેથી સીધો છટ્ઠા સ્થાને પહોંચી ગયો છે. આ તેના T20I કરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે. હાલ તેના રેન્કિંગ પોઈન્ટ્સ 739 છે.
ગાયકવાડની ટોપ-10માં એન્ટ્રી
ભારતીય ટીમનો સ્ટાર T20I બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ICC રેન્કિંગમાં ટોપ પર છે. તે ઈજાગ્રસ્ત હોવાના કારણે અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી T20I સીરિઝનો ભાગ બની શક્યો ન હતો. ભારતીય ક્રિકેટ ટીમનો અન્ય એક યુવા ખેલાડી રૂતુરાજ ગાયકવાડ 661 રેન્કિંગ પોઈન્ટ્સ સાથે નવમા સ્થાને છે.
અક્ષર પટેલની થઇ ટોપ-5માં એન્ટ્રી
T20I બોલર્સની રેન્કિંગની વાત કરીએ તો ભારતીય ક્રિકેટ ટીમના સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલની પણ ટોપ-5માં એન્ટ્રી થઇ ચુકી છે. તે 667 રેન્કિંગ પોઈન્ટ્સ સાથે પાંચમા સ્થાને છે. આ તેના કરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે. ઇંગ્લેન્ડનો ખેલાડી આદિલ રાશિદ 726 રેન્કિંગ પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને છે. વેસ્ટ ઇન્ડિઝનો અકીલ હુસેન 683 રેન્કિંગ પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને છે. ભારતનો લેગ સ્પિનર રવિ બિશ્નોઈ 666 રેન્કિંગ પોઈન્ટ્સ સાથે છટ્ઠા સ્થાને ખસકી ગયો છે.