T20 World Cup: જોર્ડનની હેટ્રિક, બટલરની વિસ્ફોટક બેટિંગે ઈંગ્લેન્ડને અપાવ્યો ભવ્ય વિજય, અમેરિકાની શરમજનક હાર

અમેરિકાનો સ્કોર: 18.5 ઓવરમાં 115/10, નીતીશ કુમારના 30, કોરેય એન્ડરસનના 29 રન

ઈંગ્લેન્ડનો સ્કોર: 9.4 ઓવરમાં 117/0, જોશ બટલરના અણનમ 83, પીલ સોલ્ટના અણનમ 25, જોર્ડનની ચાર વિકેટ

Updated: Jun 23rd, 2024


Google NewsGoogle News
T20 World Cup: જોર્ડનની હેટ્રિક, બટલરની વિસ્ફોટક બેટિંગે ઈંગ્લેન્ડને અપાવ્યો ભવ્ય વિજય, અમેરિકાની શરમજનક હાર 1 - image


ICC Men's T20 World Cup, US Vs England Match Score : ટી20 વર્લ્ડકપ-2024ના સુપર-8 રાઉન્ડમાં ઈંગ્લેન્ડે અમેરિકાને 10 વિકેટે પરાજય આપ્યો છે. અમેરિકાની ટીમ 18.5 ઓવરમાં 115 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વગર 9.4 ઓવરમાં 117 રન નોંધાવ્યા છે. આજની મેચમાં ઈંગ્લેડના બોલર જોર્ડનનો જાદુ અને જોશ બટલરની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. આ સાથે ઈંગ્લેન્ડે તેની ત્રણ મેચમાંથી બેમાં વિજય મેળવ્યા બાદ પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમાંકે આવી ગયું છે. આ પહેલા અમેરિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ઈંગ્લેન્ડના બોલરે હેટ્રિક લઈ ઈતિહાસ રચ્યો

ઈંગ્લેન્ડના ઝડપી બોલર ક્રિસ જોર્ડને અમેરિકા વિરુદ્ધ હેટ્રિક લઈને ઈતિહાસ રચ્યો છે. આજની મેચમાં જોર્ડને ધારદાર બોલીંગ નાંખી અમેરિકાને ઘૂંટણીયે લાવી દીધું હતું. જોર્ડને માત્ર 2.5 ઓવરમાં 10 રન આપીને ચાર વિકેટ ખેરવી હતી. તેણે મેચની 19મી ઓવરની ત્રીજા, ચોથા અને પાંચમાં બોલમાં અલી ખાન, નોસ્થુશ કેંજિગે અને સૌરભ નેત્રવલકરને સતત ત્રણ બોલમાં આઉટ કરી હેટ્રિક લીધી હતી. જોર્ડન ટી20 વર્લ્ડ કપમાં હેટ્રિક લેનારો ઈંગ્લેન્ડનો પહેલો બોલર બની ગયો છે. T20 વર્લ્ડ કપમાં આ 9મી હેટ્રિક છે.

અમેરિકાની ટીમનું કંગાળ પ્રદર્શન

આજન મેચમાં અમેરિકાના બેટ્સમેનો સહિત બોલરોનું કંગાળ પ્રદર્શન જોવા મળ્યું હતું. એકતરફ ઈંગ્લેડનો બોલર ક્રિસ જોર્ડને અમેરિકન બેટ્સમેનોને ઘૂંટણીયે પાડી દીધા હતા, તો બીજીતરફ ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ અમેરિકાના બોલરોને ચારેકોર દોડાવ્યા હતા. અમેરિકા તરફથી નીતીશ કુમારે 30 રન, કોરી એન્ડરસને 29 રન, હરમીત સિંઘે 21 રન, સ્ટીવન ટેયલોરે 12 રન, કેપ્ટન એરોન જોન્સે 10 રન નોંધાવ્યા હતા. જ્યારે બાકીના ખેલાડીઓ ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા ન હતા. બોલિંગની વાત કરીએ તો અમેરિકાનો કોઈપણ બોલર વિકેટ ખેરવી શક્યો નથી. ઉલ્ટાનું ટીમનો બોલર હરમીત સિંઘ સૌથી ખર્ચાળ બોલર સાબિત થયો છે. તેણે માત્ર બે ઓવર નાખી હતી, જેમાં 36 રન આપી બેઠો હતો. તેની બે ઓવરમાં કુલ પાંચ સિક્સ ફટકારવામાં આવી હતી.

ઈંગ્લેન્ડના જોશ બટલરની વિસ્ફોટ બેટિંગ

ઈંગ્લેન્ડ તરફથી ઓપનિંગમાં આવેલા કેપ્ટન જોશ બટલર અને પીલ સોલ્ટે આવતાની સાથે જ વિસ્ફોટ બેટિંગ શરૂ કરી દીધી હતી. બટલરે માત્ર 38 બોલમાં સાત સિક્સ અને છ ફોર સાથે અણનમ 83 રન ફટકાર્યા હતા. જ્યારે પીલ સોલ્ટે 21 બોલમાં બે ફોર સાથે 25 રન નોંધાવ્યા હતા. બોલિંગની વાત કરીએ તો ઈંગ્લેન્ડનો ક્રિસ જોર્ડને દમદાર બોલિંગ કરી હેટ્રિક ખેરવી હતી. આજની મેચમાં તેણે કુલ ચાર વિકેટો ઝડપી હતી. જ્યારે સેમ કુરમ અને આદિલ રાશિદે બે-બે, રઈશ ટોપલે અને લિવિંગસ્ટને એક-એક વિકેટ ખેરવી હતી. આ સાથે ઈંગ્લેન્ડની ટીમ સુપર-8 ગ્રૂપ-2નાં પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાને આવી ગયું છે. ઈંગ્લેન્ડે સુપર-8માં રમેલી કુલ ત્રણ મેચમાંથી બે મેચો જીતી છે. આમાંથી એક મેચમાં તેનો સાઉથ આફ્રિકા સામે સાત રને પરાજય થયો હતો. 


Google NewsGoogle News