ભારત-પાકિસ્તાન મેચ પડશે મોંઘી, કાર પાર્કિંગનું ભાડું જ રૂ. 1 લાખ! નવજોત સિંહ સિદ્ધુએ કર્યો દાવો
T20 World Cup 2024: ટી20 વર્લ્ડ કપ 2024 શરૂઆત થઈ ગઈ છે, પરંતુ ક્રિકેટ પ્રેમીઓ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની રાહ જોઈ રહ્યા છે. આ બંને ટીમ વચ્ચે હાઈવોલ્ટેજ મેચ નવમી જૂને ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુએ આ મેચની ટિકિટ અને પાર્કિંગ અંગે ઘટસ્ફોટ કર્યો છે. તેમણે કોમેન્ટ્રી દરમિયાન જણાવ્યું કે, 'આ મેચ જોવા આવતા લોકોએ કાર પાર્કિંગ માટે 1200 ડોલર (લગભગ એક લાખ રૂપિયા) ચૂકવવા પડશે.'
ભારત-પાકિસ્તાનની મેચના ટિકિટના ભાવ
ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચના જેમ નજીક આવી રહી છે. તેમ ટિકિટના ભાવ પણ આસમાને પહોંચી રહ્યા છે. આ મેચ માટે ટિકિટની શરૂઆતની કિંમત 300 યુએસ ડોલર ( લગભગ 25000 રૂપિયા) રાખવામાં આવી છે. જો કે, સૌથી મોંઘી ટિકિટના ભાવ 10,000 યુએસ ડોલર (લગભગ 8.3 લાખ રૂપિયા) કહેવાય છે. અહેવાલો અનુસાર, 300 યુએસ ડોલરથી 10,000 યુએસ ડોલરની વચ્ચે ટિકિટના ભાવ છે.
ભારતીય ટીમનું શેડ્યૂલ
ભારતીય ટીમનો આયરલેન્ડ, યુએસએસ, કેનેડા અને પાકિસ્તાન સાથે ગ્રુપ-એમાં સમાવેશ કરાયો છે. ભારતીય ટીનની શરૂઆતની ત્રણ મેચો ન્યૂયોર્કમાં યોજાશે. પ્રથમ મેચ પાંચમી જૂને આયર્લેન્ડ સામે, બીજી મેચ નવમી જૂને પાકિસ્તાન સામે, ત્રીજી મેચ 12મી જૂને યૂએસએ સામે ટકરાશે. ભારતની છેલ્લી ગ્રૂપ મેચ 15મી જૂને કેનેડા સામે રમાશે.
ભારત-પાકિસ્તાન વચ્ચે જીતના આંકડા
ટી20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી ભારત અને પાકિસ્તાનની ટીમ 12 મેચ રમી ચુકી છે. જેમાં ભારતીય ટીમે નવ મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાને 3 મેચ જીતી છે. હવે ફરી એકવાર જ્યારે ભારત-પાકિસ્તાન મેચ થશે, ત્યારે ક્રિકેટ ચાહકો પોતપોતાની ટીમ જીતવાની આશા રાખશે.