સેમિ ફાઈનલ પહેલાં ભારતીય ટીમના આ ખેલાડીને ઝટકો, ICC T20 રેન્કિંગમાં નંબર-1 તાજ ગુમાવ્યો
ICC T20 Ranking: ICC T20 વર્લ્ડ કપ 2024ની સેમિ ફાઈનલ મેચો 26-27 જૂનના રોજ રમાશે. જો કે, ભારતીય સમય અનુસાર બંને મેચ 27 જૂનના રોજ જ રમાશે. આ પહેલા ICCએ T20 બેટર્સની તાજેતરની રેન્કિંગ જાહેર કરી છે, જેમાં ઓસ્ટ્રેલિયાનો વિસ્ફોટક બેટ્સમેન ટ્રેવિસ હેડ નંબર-1 બેટર બની ગયો છે. ભારતનો ખેલાડી સૂર્યકુમાર યાદવનો ઝટકો લાગ્યો છે અને તે બીજા સ્થાન પર આવી ગયો છે અને તેણે ICC T20 રેન્કિંગમાં નંબર-1નો તાજ ગુમાવી દીધો છે. સૂર્યકુમાર યાદવ લાંબા સમયથી નંબર-1 T20 બેટરના સ્થાન પર હતો, જોકે હજુ પણ તેની અને ટ્રેવિસ હેડ વચ્ચે વધુ અંતર નથી. ટ્રેવિસ હેડે ભારત સામે સુપર-8 મુકાબલામાં 76 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી, જેના કારણે તેને રેન્કિંગમાં ફાયદો થયો હતો અને તે ચાર સ્થાનની છલાંગ લગાવીને નંબર-1ના સ્થાન પર પહોંચી ગયો છે. ટ્રેવિસ હેડના 844 રેટિંગ પોઈન્ટ છે, જ્યારે સૂર્યકુમાર યાદવના 842 રેટિંગ પોઈન્ટ છે.
બાબર આઝમ ચોથા નંબર પર
ઈંગ્લેન્ડનો ફિલ સોલ્ટ એક નંબર સરકીને ત્રીજા નંબર પર આવી ગયો છે જ્યારે પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમને પણ રેન્કિંગમાં એક સ્થાનનું નુકસાન વેઠવું પડ્યું છે અને તે ચોથા નંબર પર પહોંચી ગયો છે. પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને પણ એક સ્થાનનું નુકસાન થયું છે અને તે પાંચમાં નંબર પર પહોંચી ગયો છે. ઈંગ્લેન્ડનો કેપ્ટન જોસ બટલર છઠ્ઠા સ્થાન પર યથાવત છે. જ્યારે ભારતનો ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ નંબર-7 પર યથાવત છે.
રોહિત શર્મા 13માં સ્થાન પર
8માં નંબર પર એડન માર્કરામ છે અને બ્રેંડન કિંગ 9માં નંબર પર છે. 10માં નંબર પર જોનસન ચાર્લ્સ છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે 92 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી અને રેન્કિંગમાં તેને તેનો મોટો ફાયદો થયો છે. રોહિત શર્મા 13માં સ્થાન પરથી છલાંગ લગાવીને 38માં નંબર પર પહોંચી ગયો છે. વિરાટ કોહલીને ત્રણ સ્થાનનો ફાયદો મળ્યો છે અને તે 47માં સ્થાન પર પહોંચી ગયો છે. આ ઉપરાંત ઋતુરાજ ગાયકવાડ છ સ્થાનના નુકસાન સાથે 19મા સ્થાન પર આવી ગયો છે.