ICCએ રોહિત શર્માને કર્યો ખુશ, કેપટાઉન પિચ વિવાદ વચ્ચે આપ્યો મોટો નિર્ણય
કેપટાઉન ટેસ્ટમાં સાઉથ આફ્રિકાની ટીમ પ્રથમ ઈનિંગમાં 55 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી
ન્યુલેન્ડ્સમાં રમાયેલી મેચ ટેસ્ટ ઈતિહાસની સૌથી નાની મેચ સાબિત થઇ હતી
Image:Twitter |
ICC Rated Newlands Pitch As Unsatisfactory : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ટેસ્ટ ક્રિકેટની સૌથી નાની મેચ બાદ ICCએ ન્યુલેન્ડ્સની પિચને ‘અસંતોષકારક’ રેટિંગ આપી છે. ICC પિચ અને આઉટફિલ્ડ મોનિટર્રિંગ પ્રક્રિયા હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મેચ રેફરીએ ICCને સોંપ્યો રિપોર્ટ
સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે 2 મેચોની ટેસ્ટ સીરિઝની અંતિમ મેચ કેપટાઉનના ન્યુલેન્ડ્સમાં રમાઈ હતી. આ ટેસ્ટ મેચમાં માત્ર 642 બોલ ફેંકવામાં આવ્યા હતા. આમ આ ટેસ્ટ ઈતિહાસની સૌથી નાની મેચ સાબિત થઇ હતી. ન્યુલેન્ડ્સ સ્ટેડિયમની પિચને લઈને વિવાદ પણ થયો હતો. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે, ‘ભારતની પિચો વિશે બોલનારાઓએ હવે મોં બંધ રાખવું જોઈએ. હું જોવા માંગુ છું કે ICC આ અંગે શું નિર્ણય લે છે.’ ICC મેચ રેફરી ક્રિસ બોર્ડે તેનો રિપોર્ટ ICCને સોંપ્યો હતો. જેમાં મેચ અધિકારીઓ વિશે ચિંતા વ્યક્ત કરી હતી અને મૂલ્યાંકન પછી કેપટાઉનમાં ન્યુલેન્ડ્સની પિચને અસંતોષકારક માનવામાં આવી હતી.
‘ન્યુલેન્ડ્સની પિચ પર બેટિંગ કરવી ખુબ મુશ્કેલ હતી’
ICC મેચ રેફરી ક્રિસ બ્રોડે તેના રિપોર્ટમાં કહ્યું, ‘ન્યુલેન્ડ્સની પિચ પર બેટિંગ કરવી ખુબ મુશ્કેલ હતી. સમગ્ર મેચ દરમિયાન બોલ ઝડપથી અને ક્યારેક-ક્યારેક ખતરનાક રીતે બાઉન્સ થતો જોવા મળ્યો હતો. જેથી બેટ્સમેન માટે શોટ મારવો મુશ્કેલ બની જતો હતો. ઘણાં બેટ્સમેનોના ગ્લોવ્ઝ પર બોલ વાગી અને વિચિત્ર રીતે બાઉન્સ થવાના કારણે વિકેટ પણ પડી હતી.’
ક્રિકેટ સાઉથ આફ્રિકા પાસે પ્રતિબંધ સામે અપીલ કરવા 14 દિવસનો સમય
ICC પિચ અને આઉટફિલ્ડ મોનિટરિંગ પ્રક્રિયામાં જો કોઈ પિચ અથવા આઉટફિલ્ડને સબ-સ્ટાન્ડર્ડ રેટ કરવામાં આવે છે, તો તે સ્થળને ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવે છે. ન્યુલેન્ડ્સની પિચને એક ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે ICC મુજબ જો કોઈ સ્થળ 6 ડિમેરિટ પોઈન્ટ્સ સુધી પહોંચે છે તો તેને 12 મહિના સુધી કોઈપણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું આયોજન કરવાથી સસ્પેન્ડ કરવામાં આવે છે. 12 ડિમેરિટ પોઈન્ટ્સના મામલામાં આ દંડ 24 મહિનાનો છે. ક્રિકેટ સાઉથ આફ્રિકા પાસે પ્રતિબંધ સામે અપીલ કરવા માટે 14 દિવસનો સમય છે.